<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

IIT પ્રવેશ માટે JEE વિદ્યાર્થીનીની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી: "કરુણા કે મુશ્કેલીના આધારે નિયમોમાં છૂટછાટ ન મળી શકે"

અરજદારે JEE મેઇનના મૂલ્યાંકનમાં ૨૦ માર્ક્સ ગુમાવ્યા હોવાના અને પ્રવેશ કેન્દ્ર પર મોડા પહોંચવાના આરોપો સાથે IIT દિલ્હીમાં સુપરન્યુમરરી સીટ બનાવવાની કરી હતી માગ : અદાલતે તમામ દાવા ફગાવી મેરિટ અને સ્થાપિત પ્રવેશ નિયમોની ગરિમા જાળવી રાખી

નવી દિલ્હી:  દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થાઓ પૈકીની એક એવા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) માં પ્રવેશ મેળવવાની આશા સાથે કોર્ટના દ્વાર ખટખટાવનાર વિદ્યાર્થીની આશી અગ્રવાલને દિલ્હી હાઇકોર્ટ તરફથી મોટો ઝાટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે સખત વલણ અપનાવતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે IIT જેવી ઉચ્ચ સંસ્થાઓમાં પ્રવેશ માટે નક્કી કરાયેલા યોગ્યતા અને મેરિટના નિયમોમાં કરુણા, દયા કે શૈક્ષણિક મુશ્કેલીઓના આધારે કોઈ જ છૂટછાટ આપી શકાય નહીં. અદાલતે ચુકાદો આપ્યો હતો કે દેશની સુનિશ્ચિત પરીક્ષા પ્રણાલી અને પ્રવેશ નિયમોની વિરુદ્ધ જઈને કોઈપણ ઉમેદવાર માટે ખાસ નિર્દેશ જારી કરી શકાય નહીં.

અરજદાર વિદ્યાર્થીની આશી અગ્રવાલે JEE Main 2025 ની પરીક્ષાના મૂલ્યાંકનમાં ભારે અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. તેણીએ કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે ભૌતિકશાસ્ત્રના ૩ અને રસાયણશાસ્ત્રના ૨ પ્રશ્નોના ખોટા મૂલ્યાંકનને કારણે તેના ૨૦ ગુણ કાપી લેવાયા હતા અને સાથે ૫ ગુણનું નેગેટિવ માર્કિંગ પણ થયું હતું. જો આ મૂલ્યાંકન ક્ષતિઓ સુધારી લેવાઈ હોત, તો તે JEE Advanced 2026 પરીક્ષા માટે લાયક ઠરી શકી હોત. આ સિવાય તેણીએ પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા છતાં સેકન્ડ સેશનની પરીક્ષામાં બેસવા ન દીધા હોવાનો અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ઓડિટ લોગમાં ક્ષતિઓ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જોકે, તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ હાઈકોર્ટે નોંધ્યું હતું કે રિટ પિટિશન હેઠળ કોર્ટ આવી ગહન ટેકનિકલ તપાસ કરી શકે નહીં અને તે માટે તથ્યોની સ્પષ્ટ મનસ્વીતા સાબિત થવી જરૂરી છે.

કોર્ટે વિદ્યાર્થીનીની અરજી ફગાવવા માટે JEE Advanced ના ધોરણ ૧૨ ના પાત્રતા નિયમોનો પણ ઉલ્લેખ કર્યો હતો. નિયમ મુજબ ઉમેદવારે ૨૦૨૫ અથવા ૨૦૨૬ માં તેની પ્રથમ ધોરણ ૧૨ ની પરીક્ષા આપી હોવી જોઈએ, જ્યારે આશી અગ્રવાલે ૨૦૨૪ માં જ ધોરણ ૧૨ પાસ કરી લીધું હતું, જેથી તે આ પાત્રતા પણ પૂર્ણ કરતી ન હતી. આ ઉપરાંત, આશી અગ્રવાલે IIT દિલ્હી ખાતે પોતાના માટે એક અલગ સુપરન્યુમરરી (વધારાની) સીટ ઉભી કરવાની વિનંતી કરી હતી, જેને પણ કોર્ટે ફગાવી દીધી હતી. અદાલતે સ્પષ્ટ કર્યું કે IIT ની પ્રવેશ પ્રક્રિયા પૂર્વ-નિર્ધારિત મેરિટ, કટઓફ, સીટોની મર્યાદા અને પ્રયાસો પર આધારિત છે, અને માત્ર એક ઉમેદવાર માટે નિયમો બદલીને આખી પ્રવેશ પ્રક્રિયા ફરીથી ખોલવી અયોગ્ય છે.

(6:27 PM IST)