News of Thursday, 16th July 2026
ચોમાસુ સત્ર પહેલા દિલ્હી ગરમા ગરમી : મોદી સરકારનું 'મિશન 360' અને લોકસભામાં બહુમતીનું ગણિત!
મહિલા અનામત અને સીમાંકન બિલ પસાર કરાવવા ભાજપે કમર કસી: ૨/૩ બહુમતી માટે માત્ર ૬ ડગલાં દૂર રહેલી સરકારે ૧૯ જુલાઈએ બોલાવી મહત્વની સર્વપક્ષીય બેઠક

નવી દિલ્હી : સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા દેશની રાજધાનીમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મોદી સરકારે બંધારણીય સુધારા જેવા અત્યંત મહત્વકાંક્ષી મહિલા અનામત અને સીમાંકન બિલને પસાર કરાવવા માટે લોકસભામાં ૨/૩ બહુમતી એટલે કે 'મિશન ૩૬૦' મેળવવાની મથામણ તેજ કરી દીધી છે. અગાઉ એપ્રિલમાં યોજાયેલા ખાસ સત્રમાં સંખ્યાબળના અભાવે આ બિલ અટકી પડ્યા હતા, પરંતુ આ વખતે સરકાર કોઈ કસર છોડવા માંગતી નથી. બિલ પસાર કરાવવા માટે જરૂરી ૩૬૦ના આંકડાથી એનડીએ ગઠબંધન અત્યારે માત્ર ૬ બેઠકો દૂર છે, જેને પગલે સરકારે આગામી ૧૯ જુલાઈએ સર્વપક્ષીય બેઠક બોલાવીને વિપક્ષી પક્ષોને રીઝવવાની રણનીતિ ઘડી છે.
આ મહામંથન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ્થાને ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ સંગઠનના અગ્રણીઓની એક હાઈપ્રોફાઈલ બેઠક યોજાઈ હતી. રાજકીય વિશ્લેષકોના મતે, કોંગ્રેસ વિપક્ષી મોરચો મજબૂત કરવાના દાવા કરી રહી છે, પરંતુ પ્રાદેશિક પક્ષોના બદલાતા વલણે સરકારની આશા વધારી દીધી છે. ખાસ કરીને તમિલનાડુમાં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ ૨૨ સાંસદો ધરાવતી ડીએમકે (DMK) અને તૃણમૂલથી અલગ થયેલા ૨૦ એનસીપીઆઈ (NCPI) સાંસદોનું વલણ હવે નરમ પડ્યું છે. આ બદલાયેલા રાજકીય સમીકરણોમાં સરકાર પહેલા કરતાં વધુ મજબૂત અને વિપક્ષ વેરવિખેર દેખાઈ રહ્યો છે, જેનો સીધો ફાયદો ભાજપ ઉઠાવવા માંગે છે.
હાલ લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી ૩ બેઠકો ખાલી હોવાથી બંધારણીય સુધારા માટે ૩૬૦ સાંસદોનું સમર્થન અનિવાર્ય છે. સત્તાધારી એનડીએ (NDA) પાસે હાલ ૨૯૩ સાંસદોનું સંખ્યાબળ છે, પરંતુ જો ડીએમકે અને એનસીપીઆઈ જેવી પાર્ટીઓનો સાથ મળે તો આ આંકડો ૩૩૫ને પાર પહોંચી શકે છે. આ સિવાય વાયએસઆર કોંગ્રેસ (YSRCP) ના સાંસદો અને અપક્ષોના સમર્થન સાથે સરકાર જાદુઈ આંકડો પાર કરવા માટે આશ્વસ્ત દેખાઈ રહી છે. સંસદના આગામી સત્રમાં જો આ બિલ પસાર થઈ જશે, તો તે દેશના રાજકીય ઇતિહાસની સૌથી મોટી જીત સાબિત થશે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
