તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
દિલ્હી સરકાર દ્વારા બકરીઈદના તહેવાર માટે કડક માર્ગદર્શિકા જારી : જાહેર રસ્તાઓ પર કુરબાની આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ
ઈદ-ઉલ-અઝહા નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવા કમિશનરે જારી કર્યા આદેશો : નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે લેવાશે કડક કાનૂની પગલાં

નવી દિલ્હી: આગામી સમયમાં આવી રહેલા ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરીઈદના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ ગાઈડલાઈન જારી કરી છે. પાટનગરમાં શાંતિ, સુરક્ષા અને સ્વચ્છતા જાળવી રાખવાના હેતુથી પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ સંજોગોમાં જાહેર રસ્તાઓ, ફૂટપાથ અથવા ખુલ્લી જગ્યાઓ પર પશુઓની કુરબાની આપી શકાશે નહીં.
દિલ્હી સરકારના સત્તાવાર આદેશ મુજબ, આ ધાર્મિક વિધિ માત્ર સરકારે નક્કી કરેલા નિયુક્ત સ્થળો અથવા ગ્રાહકોના ખાનગી પરિસરમાં જ કરી શકાશે જેથી સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે કે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય. આ ઉપરાંત, કુરબાની બાદ પશુઓના અવશેષોને ગમે ત્યાં ફેંકવા પર પણ સખત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને તેના નિકાલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
તહેવાર દરમિયાન દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અકબંધ રહે તે માટે પોલીસ કમિશનર અને વહીવટી તંત્ર દ્વારા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની યોજના બનાવવામાં આવી છે. શાંતિ સમિતિઓની બેઠકો યોજીને તમામ સમુદાયના અગ્રણીઓને સરકારી નિયમોનું પાલન કરવા અને ભાઈચારો જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
નવી માર્ગદર્શિકામાં એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરતી અથવા ધાર્મિક લાગણીઓ દુભાવવાનો પ્રયાસ કરતી પકડાશે, તો તેની સામે કડક કાનૂની જોગવાઈઓ હેઠળ તાત્કાલિક ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર પણ બાઝ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અફવા ન ફેલાય.
આ ગાઈડલાઈનનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારની ઉજવણી સુમેળભર્યા વાતાવરણમાં થાય અને સુપ્રિમ કોર્ટ તેમજ ગ્રીન ટ્રિબ્યુનલના પર્યાવરણ અને સૂરક્ષા સંબંધી નિયમોનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. તમામ મસ્જિદો અને ઈદગાહની આસપાસ પણ દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષાના ખાસ ઈન્તજામ કરવામાં આવ્યા છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
