News of Wednesday, 22nd April 2026
દિલ્હી : જેવર એરપોર્ટથી ઉડાન ભરવા તૈયાર થઈ જાઓ! આ તારીખે પ્રથમ ફ્લાઇટ ભરશે આસમાની ઉંચાઈ
30 મે થી શરૂ થશે દેશનું સૌથી મોટું એવિએશન હબ : સુરક્ષા મંજૂરી માટે વિદેશી CEO ની જગ્યાએ હવે ભારતીયના હાથમાં આવશે કમાન : મુંબઈ-અમદાવાદ સહિત 13 શહેરોની કનેક્ટિવિટી સાથે મુસાફરોની વર્ષોની રાહનો આવશે અંત

નોઈડા: દિલ્હી-NCR અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ માટે ખુશખબર છે, કારણ કે જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ ઉડવાની તારીખ જાહેર થઈ ગઈ છે. યમુના ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (YIAPL) ની તાજેતરની બોર્ડ મીટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ, 30 મે, 2026 થી સામાન્ય જનતા માટે હવાઈ સેવાઓ શરૂ કરી દેવામાં આવશે. 28 માર્ચે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન બાદ હવે એરપોર્ટ પરથી વિધિવત રીતે વિમાનો ગર્જના કરશે. મુસાફરો મે મહિનાના બીજા અઠવાડિયાથી ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે, જેમાં શરૂઆતમાં અમદાવાદ, મુંબઈ અને બેંગલુરુ સહિત દેશના 13 મુખ્ય શહેરો માટે સીધી ફ્લાઇટ્સ ઉપલબ્ધ થશે.
આ પ્રોજેક્ટમાં સૌથી મોટો વળાંક એરપોર્ટના નેતૃત્વમાં જોવા મળ્યો છે. ભારત સરકારના સુરક્ષા નિયમો મુજબ, કોઈપણ ગ્રીનફિલ્ડ એરપોર્ટના CEO ભારતીય હોવા અનિવાર્ય છે. હાલના વિદેશી CEO ક્રિસ્ટોફ સ્નેલમેન હોવાને કારણે ગૃહ મંત્રાલય પાસેથી સુરક્ષા ક્લિયરન્સ મેળવવામાં ટેકનિકલ અડચણો આવી રહી હતી. દેશની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન કરતા, હવે કંપનીએ સ્નેલમેનના સ્થાને એક અનુભવી ભારતીય નાગરિકને CEO તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારથી એરોડ્રોમ લાઇસન્સ અને સુરક્ષા મંજૂરીની પ્રક્રિયા વધુ ઝડપી બનશે, જે 30 મેની સમયમર્યાદા પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
જેવર એરપોર્ટ માત્ર મુસાફરીનું સાધન જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશના આર્થિક વિકાસ માટે એક 'ગેમ ચેન્જર' સાબિત થશે. દિલ્હીના IGI એરપોર્ટ પર વધી રહેલા ટ્રાફિકના ભારણને ઘટાડવાની સાથે આ એરપોર્ટ નોઈડા, ગ્રેટર નોઈડા અને આસપાસના વિસ્તારોમાં રિયલ એસ્ટેટ તેમજ લોજિસ્ટિક્સ ક્ષેત્રે નવી તેજી લાવશે. શરૂઆતના તબક્કે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર ધ્યાન આપ્યા બાદ, ટૂંક સમયમાં જ અહીંથી આંતરરાષ્ટ્રીય ઉડાન પણ શરૂ કરવાનું આયોજન છે. હવે માત્ર થોડા દિવસોની રાહ છે, ત્યારબાદ પશ્ચિમ ઉત્તર પ્રદેશના આસમાને જેવર એરપોર્ટના વિમાનોની પાંખો જોવા મળશે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
