<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

મ્યાનમાર આતંકવાદી તાલીમ કેસમાં દિલ્હી કોર્ટનો મોટો ફેંસલો: યુએસ નાગરિક મેથ્યુ વેનડાઇકને મળ્યા 'ડિફોલ્ટ બેઈલ', અન્ય ૬ યુક્રેનિયનો માટે પણ દરવાજા ખુલ્લા

૧૮૦ દિવસમાં UAPA હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં NIA નિષ્ફળ જતાં મળ્યા જામીન; મિઝોરમ સરહદેથી મ્યાનમારમાં ડ્રોન યુદ્ધની તાલીમ આપવાનો હતો ગંભીર આરોપ

નવી દિલ્હી, તા.૧૮: રાઉસ એવન્યુ સ્થિત દિલ્હીની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની વિશેષ અદાલતે મ્યાનમાર આતંકવાદી તાલીમ કેસમાં એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે અમેરિકી નાગરિક મેથ્યુ એરોન વેનડાઇકને નિર્ધારિત સમયગાળામાં તપાસ પૂર્ણ ન થવા અને ચાર્જશીટમાં કડક કાયદા 'UAPA' (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળના આરોપોનો સમાવેશ ન હોવાનું કારણ દર્શાવીને 'ડિફોલ્ટ બેઈલ' (તકનીકી જામીન) મંજૂર કર્યા છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ જ કેસમાં અટકાયત કરાયેલા અન્ય છ યુક્રેનિયન નાગરિકો પણ સમાન ગ્રાઉન્ડ પર જામીન મેળવવા માટે હકદાર છે.

આ સનસનાટીભર્યા કેસની વિગતો મુજબ, માર્ચ ૨૦૨૬માં NIA દ્વારા અમેરિકી ફિલ્મ નિર્માતા અને સુરક્ષા વિશ્લેષક મેથ્યુ વેનડાઇકની કોલકાતાથી તથા અન્ય છ યુક્રેનિયન નાગરિકોની દિલ્હી અને લખનૌથી ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ વિદેશીઓ પર મિઝોરમના પ્રતિબંધિત સરહદી વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં પ્રવેશવાનો અને ત્યાંના વંશીય સશસ્ત્ર જૂથોને ડ્રોન યુદ્ધ, એસેમ્બલી, જામિંગ ટેક્નોલોજી અને લશ્કરી ઓપરેશનલ યુક્તિઓની તાલીમ આપવાનો ગંભીર આરોપ હતો. તપાસ એજન્સીએ આ પ્રવૃત્તિઓને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવી હતી અને તેને મ્યાનમારમાં નાગરિક વિમાનો પર થયેલા ડ્રોન હુમલાઓ સાથે પણ જોડી હતી.

જોકે, ૧૮૦ દિવસનો કાયદાકીય સમયગાળો પૂરો થવા આવ્યો છતાં NIA એ માત્ર 'ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ' હેઠળ ચાર્જશીટ રજૂ કરી હતી અને UAPA હેઠળ પૂરક ચાર્જશીટ બાકી રાખી હતી. આ કાનૂની ખામીનો લાભ લઈને વેનડાઇકે કોર્ટમાં અરજી કરી હતી, જેને સ્વીકારીને અદાલતે ₹૧ લાખના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. જામીનની શરત મુજબ વેનડાઇકે દિલ્હી છોડીને જવાની મનાઈ છે અને NIA સમક્ષ તપાસમાં સહકાર આપવો પડશે.

(4:47 PM IST)