News of Sunday, 10th May 2026
માતૃદિન નિમિત્તે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની મોટી જાહેરાત : ૧૮ વર્ષ પછી પણ અનાથ બાળકોને સરકાર સાથ આપશે
૩.૫ કરોડના બજેટ સાથે 'આફ્ટરકેર સ્કીમ' શરૂ કરાઈ : ઉચ્ચ શિક્ષણ, નોકરીની શોધ અને આર્થિક સહાય પૂરી પાડી યુવાનોને સ્વનિર્ભર બનાવાશે

નવી દિલ્હી: મધર્સ ડે એટલે કે માતૃદિનના પવિત્ર અવસરે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ અનાથ અને નિરાધાર બાળકો માટે એક અત્યંત સંવેદનશીલ અને મહત્વકાંક્ષી યોજનાની જાહેરાત કરી છે. રવિવારે લાજપત નગર ખાતે આવેલા વિલેજ કોટેજ હોમની મુલાકાત દરમિયાન તેમણે 'આફ્ટરકેર સ્કીમ ફોર યંગ પર્સન્સ' લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ દિલ્હી સરકાર ૧૮ વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ અનાથ બાળકોની જવાબદારી ઉઠાવશે અને તેમને કોલેજ શિક્ષણ તેમજ નોકરીની શોધમાં સંપૂર્ણ મદદ કરશે. અત્યાર સુધી સરકારી સંસ્થાઓમાં રહેતા બાળકોએ ૧૮ વર્ષ પૂરા થતા સંસ્થા છોડવી પડતી હતી, પરંતુ હવે સરકાર તેમની કારકિર્દી ઘડાય ત્યાં સુધી પડખે ઊભી રહેશે.
વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૩.૫ કરોડ રૂપિયાના બજેટ સાથે શરૂ કરવામાં આવેલી આ પહેલનો મુખ્ય હેતુ ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને પુનઃસ્થાપનમાં મદદ કરવાનો છે. આ યોજના અંતર્ગત પાત્ર લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, કૌશલ્ય વિકાસ (સ્કિલ ડેવલપમેન્ટ), વોકેશનલ ટ્રેનિંગ અને કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત, યુવાનોને ઈન્ટર્નશિપ અને રોજગારની તકો સાથે જોડવામાં આવશે. આર્થિક મુશ્કેલી ન નડે તે માટે સરકાર દ્વારા માસિક સ્ટાઈપેન્ડ (ભથ્થું) અને નાણાકીય સહાયની જોગવાઈ પણ આ યોજનામાં સામેલ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે માતૃદિન પર આ યોજનાની શરૂઆત એ દિલ્હી સરકારની એ માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે અમારી જવાબદારી બાળકોને માત્ર આશ્રય આપવા પૂરતી મર્યાદિત નથી. તેમણે ઉમેર્યું કે અમારો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક બાળક અને યુવાન પુખ્ત વ્યક્તિ સુરક્ષિત, ગૌરવપૂર્ણ અને સ્વનિર્ભર ભવિષ્ય બનાવવાની તક મેળવે અને તેમને ક્યારેય એવું ન લાગે કે તેઓ બિનવારસી અથવા અસહાય છે. દિલ્હીમાં હાલમાં ૮૮ જેટલી ચાઈલ્ડ કેર સંસ્થાઓ સરકાર અને એનજીઓ દ્વારા ચલાવવામાં આવે છે, જે બાળકોને ૧૮ વર્ષ સુધી શિક્ષણ અને રક્ષણ પૂરું પાડે છે.
દિલ્હીમાં હાલમાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ બે આફ્ટરકેર હોમ કાર્યરત છે, જ્યાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનોને રહેવા, જમવા અને શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવે છે. મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે દર વર્ષે અંદાજે ૧૫૦ થી ૨૦૦ યુવાનો ૧૮ વર્ષની વય પૂરી કર્યા પછી આ સંસ્થાઓમાંથી બહાર નીકળે છે. સંસ્થાની બહાર નીકળ્યા બાદ ઘણા યુવાનોને શિક્ષણ ચાલુ રાખવા, રોજગાર મેળવવા કે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવામાં ભારે સંઘર્ષ કરવો પડે છે. આ નવી યોજના આ તમામ અંતરાયોને દૂર કરશે અને યુવાનોને આત્મવિશ્વાસ સાથે સ્વતંત્ર જીવન જીવવામાં મદદરૂપ થશે. સંસ્થામાં રહેતા બાળકોને લાઈફ સ્કિલ્સ, કાઉન્સેલિંગ અને પર્સનાલિટી ડેવલપમેન્ટની તાલીમ પણ આપવામાં આવશે જેથી તેઓ પુખ્ત વયના થયા બાદ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
