News of Friday, 29th May 2026
દિલ્હી એરપોર્ટ પર દેશની પ્રથમ સ્માર્ટ વેધર સિસ્ટમ 'SKYCAST' કાર્યરત: ફ્લાઇટ પહેલાં જ મળશે જોખમની લાઈવ ચેતવણી
કેન્દ્ર સરકાર અને ડાયલ દ્વારા વિશ્વસ્તરીય ટેકનોલોજીનું સંયુક્ત લોન્ચિંગ : દર ૫ મિનિટે રનવે અને આકાશના હવામાનની સચોટ માહિતી મળવાથી ફ્લાઇટના કલાકોના વિલંબ અને ડાયવર્ઝનનો અંત આવશે

નવી દિલ્હી: હવાઈ મુસાફરીને વધુ સુરક્ષિત અને સમયસર બનાવવા માટે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દેશની સર્વપ્રથમ અને અત્યંત આધુનિક સ્માર્ટ વેધર સિસ્ટમ 'સ્કાયકાસ્ટ' (SKYCAST) ઇન્સ્ટોલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના વિજ્ઞાન મંત્રાલય અને એરપોર્ટ ઓપરેટર કંપની 'ડાયલ' (DIAL) દ્વારા સંયુક્ત રીતે શુક્રવારે આ અત્યાધુનિક સિસ્ટમ દેશને સમર્પિત કરવામાં આવી છે. આ ટેકનોલોજી જમીનથી લઈને આકાશમાં ૧૦ કિલોમીટરની ઊંચાઈ સુધી થતી દરેક હવામાન પ્રવૃત્તિ પર બારીકાઈથી નજર રાખશે. અત્યાર સુધી પાઇલટ્સ અને એર ટ્રાફિક કંટ્રોલર્સને વિલંબથી મળતી હવામાનની માહિતીના સ્થાને હવે દર પાંચ મિનિટે રિયલ-ટાઇમ લાઈવ અપડેટ્સ ઉપલબ્ધ થશે.
આ સિસ્ટમ રનવે નજીક પવનની ગતિ, તાપમાન, ભેજ અને અચાનક ગીચ થતા ધુમ્મસ કે વીજળીના જોખમની આગોતરી ઓટોમેટેડ ચેતવણી સીધી પાઇલટ અને કંટ્રોલ રૂમને મોકલશે. આ સચોટ માહિતીના કારણે પાઇલટ્સ ફ્લાઇટ ટેકઓફ કે લેન્ડિંગ કરવા અંગે ત્વરિત અને યોગ્ય નિર્ણય લઈ શકશે, જેથી પ્રતિકૂળ હવામાનમાં પણ ફ્લાઇટ ડાયવર્ઝન અથવા રદ થવાની ઘટનાઓ નહિવત થઈ જશે. આ ટેકનોલોજી કાર્યરત થતાં જ હવે ભારતમાં દિલ્હી એરપોર્ટ લંડનના હીથ્રો, સિંગાપોરના ચાંગી અને ન્યૂયોર્કના જેએફકે જેવા વિશ્વના અદ્યતન એરપોર્ટ્સની હરોળમાં સામેલ થઈ ગયું છે.
આ સ્માર્ટ સિસ્ટમ લોન્ચ થઈ તે જ સમયે દિલ્હીમાં હવામાનનો મિજાજ પલટાયો છે. ગુરુવારે સાંજે થયેલા વરસાદને કારણે દિલ્હીવાસીઓને કાળઝાળ ગરમીથી મોટી રાહત મળી છે અને લઘુત્તમ તાપમાન ૨૮.૪ ડિગ્રીથી ઘટીને ૨૫.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. બીજી તરફ, ભારતીય હવામાન વિભાગએ શુક્રવાર માટે દિલ્હીમાં "ઓરેન્જ એલર્ટ" જાહેર કરીને બપોર બાદ ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આવી કટોકટીની સ્થિતિમાં 'SKYCAST' સિસ્ટમ મુસાફરોની સફરને વધુ સરળ અને ઝંઝટમુક્ત બનાવવામાં નિર્ણાયક સાબિત થશે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
