News of Sunday, 26th April 2026
દિલ્હી એરપોર્ટના રનવે પર મોતનું તાંડવ ખેલતા રહી ગયું: સ્વિસ એરલાઇન્સના વિમાનના એન્જિનમાં ભભૂકી ભીષણ આગ, ટેકઓફ સમયે જ સર્જાઈ આફત
રનવે પર વિમાન લોખંડી ગોળો બની દોડ્યું ને લેન્ડિંગ ગિયરમાંથી નીકળ્યા આગના ગોટા, પાયલોટની સજાગતાએ 232 મુસાફરોના જીવ બચાવ્યા, ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર મધરાતે મચી નાસભાગ અને જાહેર કરાઈ ફૂલ ઈમરજન્સી

નવી દિલ્હી : દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે રવિવારે એક એવી વિમાની દુર્ઘટના ટળી છે, જે સાંભળીને કોઈના પણ રુંવાડા ઉભા થઈ જાય. સ્વિસ એરલાઇન્સનું વિમાન જ્યારે ઝ્યુરિખ જવા માટે રનવે પર પૂરઝડપે દોડી રહ્યું હતું, ત્યારે અચાનક તેના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોતજોતામાં વિમાનના લેન્ડિંગ ગિયરમાંથી આગની જ્વાળાઓ નીકળવા માંડી હતી. પાયલોટે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઈમરજન્સી બ્રેક મારીને ટેકઓફ અટકાવી દીધું હતું. જો વિમાન હવામાં ફંટાયું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત, પરંતુ રનવે પર જ વિમાનને થોભાવી દેવાતા અંદર સવાર 232 મુસાફરોના જીવ જોખમમાં મુકાતા બચી ગયા હતા.
આગની જાણ થતા જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક 'ફૂલ ઈમરજન્સી' જાહેર કરી દેવામાં આવી હતી. એરપોર્ટના ફાયર ફાઈટરો અને બચાવ ટુકડીઓ સેકન્ડોમાં રનવે પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. વિમાનના ટાયર પાસે ફાટી નીકળેલી આગના કારણે મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો, પરંતુ પાયલોટ અને ક્રૂ મેમ્બર્સની સમયસૂચકતાના કારણે તમામ 232 પ્રવાસીઓને ઈમરજન્સી ગેટ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના દરમિયાન એરપોર્ટ પર રનવેને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે અન્ય ફ્લાઇટ્સના શિડ્યુલ ખોરવાયા હતા અને એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ગંભીર ઘટનાને લઈને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિમાનના એન્જિનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું અને શું આમાં કોઈ જાળવણીની બેદરકારી હતી, તે અંગે ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. તમામ મુસાફરોને હાલ એરપોર્ટ ટર્મિનલ પર સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે અને તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રવિવારની આ ઘટનાએ એરલાઈન્સની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે, જોકે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
