તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
રક્ષા મંત્રી રાજનાથ સિંહે સૈનિકો સાથે મનાવી દિવાળી: દાર્જિલિંગમાં જવાનો સાથે માણ્યો 'બડાખાના'નો આનંદ
પશ્ચિમ બંગાળના સુકના મિલિટરી સ્ટેશન ખાતે વીર જવાનો સાથે મીઠાઈ વહેંચીને દિવાળી પર્વની ઉજવણી કરી, એલએસી પર સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી દુશ્મનોના સોશિયલ મીડિયા ષડયંત્રો સામે કરી સાવચેત.

સુકના : કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં આવેલા સુકના મિલિટરી સ્ટેશનમાં ભારતીય સેનાના જવાનો સાથે દિવાળીના પવિત્ર પર્વની અનોખી ઉજવણી કરી હતી. રક્ષા મંત્રીએ દિવાળીના શુભ અવસરે સૈનિકો સાથે મીઠાઈ વહેંચીને ખુશીઓ વ્યક્ત કરી હતી અને લશ્કરી પરંપરા મુજબ યોજાયેલા ‘બડાખાના’માં જવાનો સાથે બેસીને ભોજનનો આનંદ માણવાની સાથે ફૂલઝડીઓ સળગાવીને ઉત્સવ મનાવ્યો હતો. દેશના સીમાડા સાચવતા વીર જવાનો સાથે તહેવાર વિતાવવાના આ ક્ષણને તેમણે પોતાનું પરમ સદ્ભાગ્ય ગણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની લાગણીઓ શેર કરતા રાજનાથ સિંહે લખ્યું હતું કે, દિવાળીની પૂર્વ સંધ્યાએ સુકના મિલિટરી સ્ટેશન પર બહાદુર જવાનો સાથે પારંપરાગત ‘બડા ખાના’માં સામેલ થવું એ એક અત્યંત ભાવુક અને અહોભાગ્યની ક્ષણ છે. આ કાર્યક્રમ એકતા અને સમાનતાનું પ્રતિક છે, જ્યાં કોઈ પણ પદ કે રેન્કનો ભેદભાવ રહેતો નથી અને દરેક વ્યક્તિ એક જ પરિવારની જેમ સાથે બેસે છે. પોતાની માતૃભૂમિની રક્ષા માટે પોતાના પરિવાર અને પ્રિયજનોથી દૂર તૈનાત સૈનિકોના ચહેરા પરનું સ્મિત અને તેમનો આપસી ભાઈચારો જ આપણી સશસ્ત્ર દળોની વાસ્તવિક શક્તિ છે.
પોતાના આ પ્રવાસ દરમિયાન રક્ષા મંત્રીએ દાર્જિલિંગ સ્થિત ‘ત્રિશક્તિ કોર’ (Trishakti Corps)ની ઓપરેશનલ તૈયારીઓ અને એલએસી નજીક ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કામકાજની સઘન સમીક્ષા કરી હતી. સૈનિકો અને વાયુસેનાના જવાનોને સંબોધિત કરતા તેમણે ચેતવણી આપી હતી કે વર્તમાન સમયમાં દુશ્મન સીધા યુદ્ધમાં ઉતરવાને બદલે સોશિયલ મીડિયા દ્વારા ભ્રામક માહિતી ફેલાવીને સ્થાનિક લોકો અને સૈનિકોના મનમાં શંકાના બીજ રોપવાનો પ્રયાસ કરે છે, તેથી દેશના સુરક્ષા દળો પોતાના ઉચ્ચ મનોબળ અને સતર્કતાના બળે આવા દરેક ષડયંત્રોને નિષ્ફળ બનાવવા માટે પૂર્ણપણે સજ્જ છે.
દર વર્ષે તહેવારોના પાવન અવસરે દેશના શીર્ષ નેતાઓ અને રક્ષા મંત્રીઓ દ્વારા સરહદ તેમજ દેશના વિવિધ લશ્કરી મથકો પર જઈને જવાનો સાથે પર્વ ઉજવવાની આ ભવ્ય પરંપરા સૈનિકોના મનોબળને બમણું કરે છે. આ સાર્થક પગલાંથી દેશભરમાં સુરક્ષા દળો પ્રત્યે આદર અને એકતાની ભાવના વધુ દ્રઢ બને છે, જે ભવિષ્યમાં પણ દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
