તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
કુવૈતે પાકિસ્તાન સાથે કરાર કર્યાના બીજા જ દિવસે ભારત સાથે સંરક્ષણ સમજૂતી કરી ચોંકાવ્યા
પશ્ચિમ એશિયામાં બદલાતા સમીકરણો વચ્ચે કુવૈતે નવી દિલ્હીમાં સંયુક્ત સંરક્ષણ સમિતિની પ્રથમ બેઠક યોજી લશ્કરી સહયોગ મજબૂત કર્યો.

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં ઝડપથી બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે તાજેતરમાં કુવૈતે પાકિસ્તાન સાથે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યાના માત્ર એક જ દિવસ બાદ, નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મોકલીને ભારત સાથે પ્રથમ સંયુક્ત સંરક્ષણ સમિતિ (JDC)ની બેઠક યોજી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ડિસેમ્બર ૨૦૨૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈત મુલાકાત દરમિયાન થયેલા સમજૂતી કરાર (MoU) હેઠળ લશ્કરી તાલીમ, સંયુક્ત કવાયતો અને સંરક્ષણ ઉદ્યોગમાં સહયોગને વ્યવહારિક સ્તરે વેગ આપવાનો છે.
આ ઉચ્ચ-સ્તરીય બેઠકમાં કુવૈતી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ મંત્રાલયના બ્રિગેડિયર જનરલ રૈદ અલસાકરાન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ સંરક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદે કર્યું હતું, જેમાં બંને દેશોએ કૌશલ્ય વહેંચણી, અદ્યતન તાલીમ કાર્યક્રમો, સંરક્ષણ સાધનોના સહ-ઉત્પાદન અને ઔદ્યોગિક ભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી જેથી ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ વધારી શકાય.
આ બેઠકના માત્ર એક દિવસ પહેલા રાવલપિંડીમાં કુવૈતી સંરક્ષણ પ્રધાન શેખ અબ્દુલ્લા અલી અલ-સબાહ અને પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ વચ્ચે પ્રોટોકોલ કરાર ૨૦૨૬ પર સંમતિ સધાઈ હતી, જે હેઠળ પાકિસ્તાની સશસ્ત્ર દળો લશ્કરી તાલીમ, ક્ષમતા નિર્માણ અને સરહદ વ્યવસ્થાપનમાં કુવૈતને તકનીકી સહાય પૂરી પાડશે, છતાં કુવૈતે ભારત સાથે સમાંતર ઉચ્ચ સ્તરીય સંબંધો જાળવીને વ્યૂહાત્મક સમતુલા સાધી છે.
ભારત અને કુવૈત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ૧૯૬૨માં રાજદ્વારી સંબંધોની સ્થાપના થયા ત્યારથી અત્યંત સૌહાર્દપૂર્ણ રહ્યા છે અને વિશાળ ભારતીય સમુદાયની ઉપસ્થિતિ તથા આ નવી સંરક્ષણ સમિતિની રચનાથી ભવિષ્યમાં બંને દેશો વચ્ચે રક્ષણાત્મક અને વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બનશે તે નક્કી છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
