તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
ચૂંટણીમાં નિશ્ચિત હાર ભાળી ગયેલી કોંગ્રેસના સંવૈધાનિક સંસ્થાઓને દેશ અને વિદેશમાં બદનામ કરવાના પાયાવિહોણા પ્રયાસો: ભાજપનો પલટવાર
ચૂંટણી પંચની કામગીરી પર ઉઠાવવામાં આવેલા સવાલો મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર આકરો પલટવાર કર્યો

ચૂંટણી પ્રક્રિયા અને સ્વાયત્ત સંસ્થાઓની વિશ્વસનીયતા મુદ્દે રાજ્ય તથા દેશના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. ચૂંટણી પંચની કામગીરી સામે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો સામે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપએ આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ડૉ. અનિલ પટેલએ કોંગ્રેસ પક્ષને આડે હાથ લેતા આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે ચૂંટણી પંચ જેવી દેશની સર્વોચ્ચ લોકશાહી અને સંવૈધાનિક સંસ્થાઓ પર સવાલ ઉઠાવવા એ કોંગ્રેસની જૂની અને નિરાશાજનક માનસિકતા દર્શાવે છે.
પત્રકાર પરિષદમાં આકરા તેવર બતાવતા ભાજપ પ્રવક્તા ડૉ. અનિલ પટેલ એ સીધો કટાક્ષ કર્યો હતો કે "જો કોંગ્રેસ કકળાટ ન કરે તો એ કોંગ્રેસ કહેવાય જ નહીં." તેમણે ઉમેર્યું કે દેશની જનતા જ્યારે પણ કોંગ્રેસને જાકારો આપે છે ત્યારે આત્મમંથન કરવાને બદલે વિપક્ષ હંમેશા કોઈને કોઈ બહાના શોધવામાં વ્યસ્ત થઈ જાય છે. દેશની સ્વાયત્ત અને નિષ્પક્ષ બંધારણીય સંસ્થાઓનું સન્માન કરવાને બદલે કોંગ્રેસ પક્ષ દેશ અને વિદેશમાં ભારતની લોકશાહી પ્રક્રિયાને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યો છે, જે અત્યંત શરમજનક છે.
ભાજપે ભારપૂર્વક જણાવ્યું કે દેશના તમામ રાજકીય પક્ષો અને નાગરિકોએ ભારતની સંવૈધાનિક સંસ્થાઓની સ્વાયત્તતા અને ગરિમામાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. ડૉ. પટેલે સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસની કાર્યપદ્ધતિ વર્ષોથી કોઈપણ મજબૂત તથ્ય કે પુરાવા વગર ફક્ત સનસનાટી ફેલાવવા માટે બેબુનિયાદ અને પાયાવિહોણા આક્ષેપો કરવાની રહી છે. લોકશાહી ઢબે ચૂંટાઈને આવતા પ્રતિનિધિઓ અને ચૂંટણી સંચાલન કરતી સંસ્થાઓનું સતત અપમાન કરવું એ દેશના જનાદેશનું અપમાન કરવા સમાન છે.
કોંગ્રેસના સતત બદલાતા વલણ પર આકરો પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષની આક્ષેપબાજીની એક નિશ્ચિત પેટર્ન બની ગઈ છે. જ્યારે પણ ચૂંટણી નજીક આવે કે પરિણામો પ્રતિકૂળ જણાય ત્યારે "પહેલા ઈવીએમ મશીન પર સવાલો ઉઠાવવામાં આવ્યા, ત્યાર બાદ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન કે સરકારી વ્યવસ્થાઓ સામે શંકાઓ ઊભી કરવામાં આવી, અને હવે સીધું ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે." આ દર્શાવે છે કે કોંગ્રેસ પક્ષનો વિશ્વાસ હવે સમગ્ર લોકતાંત્રિક પ્રક્રિયા પરથી ડગી ગયો છે.
ડૉ. અનિલ પટેલે કોંગ્રેસની આંતરિક સ્થિતિ પર પ્રહાર કરતા કહ્યું કે વાસ્તવમાં કોંગ્રેસને ન તો જનતા પર ભરોસો છે કે ન તો પોતાના મેદાનમાં ઉતારેલા ઉમેદવારો પર વિશ્વાસ રહ્યો છે. ચૂંટણીમાં કારમી હાર નજરે દેખાઈ રહી હોવાના કારણે અગાઉથી જ બહાનાઓનું મેદાન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જનતા બધું જ સમજે છે અને પાયાવિહોણા આક્ષેપો કરતી પાર્ટીઓને મતદારો યોગ્ય સમયે મતપેટી દ્વારા જ જડબાતોડ જવાબ આપશે.
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
