<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

તમિલનાડુમાં ગ્રેનાઇટના કુખ્યાત શહાનશાહ આર. વીરામણી સામે દાયકાઓથી ચાલી રહેલા યૌન શોષણના નેટવર્કનો થયો પર્દાફાશ: ભોગ બનેલી વધુ સગીરાઓએ કોર્ટમાં જુબાની આપતાં ચકચાર, પોક્સો અને એસસી/એસટી એક્ટ હેઠળ આકરા ગુના દાખલ

​ચેન્નાઈની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરેલી ઊંડાણપૂર્વકની તપાસમાં ગરીબ પરિવારની માસુમ બાળકીઓને નિશાન બનાવી શોષણ આચરવાના સનસનાટીભર્યા અહેવાલો બહાર આવ્યા, ૮૪ વર્ષીય ઉદ્યોગપતિ સહિત તેના મદદગાર દંપતીની ધરપકડ બાદ જેલના સળિયા પાછળ ધકેલાયા

​ચેન્નાઈ: દક્ષિણ ભારતના જાણીતા ગ્રેનાઇટ ઉદ્યોગપતિ અને 'જેમ ગ્રૂપ ઓફ કંપનીઝ'ના સ્થાપક ૮૪ વર્ષીય આર. વીરામણી સામે સગીર વયની બાળકીઓ સાથે દાયકાઓથી થઈ રહેલા અમાનુષી યૌન શોષણના મામલામાં દરરોજ અત્યંત ચોંકાવનારા અને શરમજનક ખુલાસા થઈ રહ્યા છે. તમિલનાડુમાં અતિ પ્રભાવશાળી ગણાતા આ ગ્રેનાઇટ કારોબારી સામે અગાઉ નોંધાયેલા ગુના બાદ હવે વધુ પીડિત સગીરાઓ અને યુવતીઓ હિંમત કરીને સામે આવી છે અને તેમણે ખાસ પોક્સો (POCSO) અદાલત સમક્ષ ઉદ્યોગપતિ સામે ભયાનક શોષણની વિગતવાર જુબાનીઓ નોંધાવી છે. તપાસ અધિકારીઓ અનુસાર, અતિ ગરીબ અને આર્થિક રીતે અત્યંત પછાત પરિવારમાંથી આવતી સગીરાઓને પ્રલોભન આપીને કે મજબૂરીનો લાભ ઉઠાવીને વર્ષો સુધી તેમનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. પીડિતોમાં અનુસૂચિત જાતિ (SC) સમુદાયની બાળકીઓ પણ સામેલ હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે આરોપી સામે 'એટ્રોસિટી એક્ટ' (SC/ST Act) ની આકરી કલમોનો ઉમેરો કર્યો છે.

​આ સમગ્ર કાળો કારોબાર અને શોષણનું નેટવર્ક ઓક્ટોબર ૨૦૨૫માં પ્રકાશમાં આવ્યું હતું, જ્યારે એક બાળ કલ્યાણ કાર્યકરને અજાણ્યા વ્યક્તિ તરફથી એક પેન ડ્રાઇવ (USB) પ્રાપ્ત થઈ હતી. આ પેન ડ્રાઇવમાં વૃદ્ધ ઉદ્યોગપતિ દ્વારા એક સગીર બાળકી પર અમાનુષી અત્યાચાર આચરવાના વીડિયો ફૂટેજ જોવા મળ્યા હતા. ત્યારપછી સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી-વાઈસ સ્ક્વોડ (AVS) દ્વારા પોક્સો એક્ટ હેઠળ અજાણ્યા અને બાદમાં નામજોગ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ હતી. તપાસ દરમિયાન ચેન્નાઈના તેનાપેટ વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસ અને અન્ય રહેણાંક સ્થળોએથી પોલીસને વિપુલ પ્રમાણમાં વાંધાજનક વીડિયો અને સગીરાઓ તેમજ મહિલાઓના ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા.

​આ કેસમાં ઉદ્યોગપતિ વીરામણીને મદદ કરવા, સગીરાઓની ગોઠવણ કરી આપવા અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવા બદલ તેના સહયોગી દંપતી મહેન્દ્ર સિંહા (૬૩) અને તેની પત્ની શાંતિ (૬૦) ની પણ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસે પુરાવાના અભાવનું બહાનું ધરીને કેસ બંધ કરવાનો ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે, પોક્સો સ્પેશિયલ કોર્ટે આ રિપોર્ટ ફગાવી દઈને પોલીસને આકરા શબ્દોમાં ફટકાર લગાવીને પુનઃ તપાસનો આદેશ આપ્યો હતો. કોર્ટની કડક વલણ બાદ ચેન્નાઈ પોલીસ કમિશનરના નિર્દેશથી રચાયેલી ખાસ તપાસ ટુકડીએ વીડિયોમાં દેખાતી પીડિત બાળકીની ઓળખ કરી લીધી હતી અને તેની જુબાની નોંધાઈ હતી. તે બાદ એક પછી એક અન્ય સાતથી વધુ સગીર પીડિતાઓ સામે આવી છે અને વીરામણી સામે ગંભીર આરોપો સાથે જુબાની આપી છે. હાલમાં ૮૪ વર્ષીય આરોપી ઉદ્યોગપતિ પૂઝલ સેન્ટ્રલ જેલમાં બંધ છે અને કોર્ટે તેની કસ્ટડી દરમિયાન જેલ પરિસરમાં જ પૂછપરછ કરવાની પરવાનગી આપી છે, જ્યારે પીડિત પરિવારને કાનૂની જોગવાઈ મુજબ આર્થિક સહાય અને સુરક્ષા પૂરી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે.

(5:49 PM IST)