News of Saturday, 11th July 2026
ન્યાયની પ્રતીક્ષામાં મોત: 57 વખત સુનાવણી મુલતવી રહેતા કેન્સરગ્રસ્ત મહિલાનું નિધન, સસ્તી દવા મેળવવાની લડાઈ અધૂરી રહી
જીવનરક્ષક દવાની કિંમત ઘટાડવાની અરજી વર્ષો સુધી કોર્ટના આંટાફેરામાં અટવાયેલી રહી: હવે આ કેસ બન્યો ન્યાયતંત્રની ગતિ પર મોટો સવાલ

કોચી : કેરળ હાઈકોર્ટમાં ચાલી રહેલો એક કેસ માનવ સંવેદના અને ન્યાયિક પ્રક્રિયાની ગતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે. સ્તન કેન્સર સામે ઝઝૂમી રહેલી એક મહિલાએ પોતાની અને પોતાના જેવા અન્ય હજારો દર્દીઓ માટે મોંઘી જીવનરક્ષક દવાની કિંમત ઘટાડવાની જે લડાઈ શરૂ કરી હતી, તે લડાઈ જીતતા પહેલા જ તે પોતે જંગ હારી ગઈ છે. જૂન 2022માં દાખલ થયેલી આ અરજી પર 57 વખત સુનાવણીની તારીખ પડી હોવા છતાં અંતિમ નિર્ણય ન આવતા, અંતે મહિલાનું મૃત્યુ નિપજ્યું છે.
શું હતી સમગ્ર લડાઈ?
અરજદાર મહિલાનું લક્ષ્ય સ્તન કેન્સરની અત્યંત મોંઘી દવા 'રિબોસિક્લિબ' (Ribociclib) ને સામાન્ય દર્દીઓ માટે સસ્તી બનાવવાનું હતું. આ દવા માટે દર મહિને આશરે ₹78,400 જેટલો ખર્ચ થાય છે, જે સામાન્ય પરિવાર માટે અશક્ય છે. મહિલાએ કાનૂની માર્ગ અપનાવી 'પેટન્ટ એક્ટની કલમ 100' હેઠળ કેન્દ્ર સરકાર પાસે 'ગવર્નમેન્ટ યુઝ લાયસન્સ' (GDL) માંગ્યું હતું. જો આ મંજૂરી મળે, તો આ દવાનું સસ્તું વર્ઝન ભારતમાં બની શકે અને તેની કિંમતમાં 90થી 95 ટકા સુધીનો ઘટાડો થઈ શકે તેમ હતું.
સરકાર અને ન્યાયતંત્રની બેદરકારી?
આ આખો કેસ જાન્યુઆરી 2023 થી અંતિમ સુનાવણી માટે વારંવાર લિસ્ટ થતો રહ્યો, પરંતુ ક્યારેય દલીલો પૂર્ણ થઈ શકી નહીં. સરકારે તો ત્યાં સુધી કહી દીધું કે સ્તન કેન્સરને 'રાષ્ટ્રીય કટોકટી' ગણી શકાય નહીં. બીજી તરફ, અરજદારોનું માનવું હતું કે બંધારણની કલમ 21 હેઠળ 'સ્વાસ્થ્યનો અધિકાર' એ જીવનના અધિકારનો જ ભાગ છે. લાંબી કાનૂની કાર્યવાહી દરમિયાન મહિલા અરજદારનું નિધન થયું, છતાં હાઈકોર્ટે આ કેસને જાહેર હિતમાં માનીને સુનાવણી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
ન્યાય માટે મુખ્ય ન્યાયાધીશને અપીલ
મહિલાના મૃત્યુ બાદ હવે આ કેસને ઝડપી બનાવવા માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ને અપીલ કરવામાં આવી છે. આ કિસ્સો માત્ર એક મહિલાની હાર નથી, પરંતુ એક એવા વ્યવસ્થિત ફેલ્યોરની વાર્તા છે, જ્યાં ન્યાયિક વિલંબને કારણે દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો. એમિકસ ક્યુરી અને અન્ય પક્ષકારોએ તમામ દસ્તાવેજો રજૂ કર્યા હોવા છતાં, બંધારણીય પ્રશ્નો પર હજુ પણ અંતિમ નિર્ણય લેવાયો નથી. આ ઘટના એવા હજારો દર્દીઓ માટે એક ચેતવણી સમાન છે જેઓ મોંઘી દવાઓના કારણે મોતની રાહ જોઈ રહ્યા છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
