તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ફેસબુક પર જાનથી મારી નાખવાની ધમકી મળતા સનસનાટી : ઓસ્ટ્રેલિયન એજન્સીઓ દ્વારા હાઈ-લેવલ તપાસ શરૂ
મેલબોર્નમાં ૮ થી ૧૦ જુલાઈ દરમિયાન યોજાનારી દ્વિપક્ષીય વાર્તા અને ભવ્ય સમુદાય કાર્યક્રમ અગાઉ સોશિયલ મીડિયા પર ફેક આઈડી પરથી અપાઈ ધમકી : આઈપી એડ્રેસ ટ્રેસ કરી તપાસ તેજ કરાઈ

મેલબોર્ન: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ધારિત પ્રવાસ અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર તેમને જાનથી મારી નાખવાની કથિત ધમકીભરી ટિપ્પણી સામે આવતા ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓ અને સુરક્ષા એજન્સીઓએ અત્યંત ગંભીરતા દાખવીને હાઈ-લેવલ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
'મેલબોર્ન મીટ્સ મોદી' કાર્યક્રમની પોસ્ટ પર કરાઈ વાંધાજનક કમેન્ટ:
એક અહેવાલ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસના ભાગરૂપે આગામી તારીખ ૯ જુલાઈના રોજ મેલબોર્નના પ્રખ્યાત માર્વેલ સ્ટેડિયમ ખાતે પ્રવાસી ભારતીયોના એક ભવ્ય સમુદાય કાર્યક્રમ 'મેલબોર્ન મીટ્સ મોદી' (Melbourne Meets Modi) નું આયોજન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમના પ્રમોશન માટે મુકાયેલી એક ફેસબુક પોસ્ટના કમેન્ટ સેક્શનમાં આ કથિત ધમકી આપવામાં આવી હતી. આ ટિપ્પણી "અબુ મુસ્તફા" (Abu Mustafa) નામના ફેસબુક એકાઉન્ટ પરથી કરવામાં આવી હતી, જેમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું હતું કે, "કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમની છત બંધ રાખવી વધુ સારું રહેશે, નહીં તો તેઓ ઓસ્ટ્રેલિયામાં પોતાના મોત તરફ આવી રહ્યા છે."
સુરક્ષા એજન્સીઓ દ્વારા આઈપી એડ્રેસ ટ્રેસ કરાયું:
આ મામલે નજીકના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, ઓસ્ટ્રેલિયાની તપાસ એજન્સીઓએ આ વિવાદાસ્પદ કમેન્ટ કરનારા ફેસબુક એકાઉન્ટ સાથે જોડાયેલું આઈપી (IP) એડ્રેસ શોધી કાઢ્યું છે. તપાસકર્તાઓ હાલ આ સમગ્ર ઘટનાક્રમની ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યા છે અને આ બાબત કોઈ ગુનાહિત કૃત્ય હેઠળ આવે છે કે કેમ તેની કાયદાકીય સમીક્ષા કરવામાં આવી રહી છે. જોકે, ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ (AFP) દ્વારા ચાલુ તપાસને ટાંકીને હજુ સુધી કોઈની ધરપકડ કે અન્ય સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષા વ્યવસ્થા માટે ઓસ્ટ્રેલિયાની અનેક ટોચની એજન્સીઓ પરસ્પર સંકલન સાધી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસનો આખો કાર્યક્રમ:
ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર વિગતો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ ૮ જુલાઈથી ૧૦ જુલાઈ દરમિયાન મેલબોર્નની મુલાકાતે રહેવાના છે. આ પ્રવાસ દરમિયાન તેઓ:
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ અને મહત્વપૂર્ણ ચર્ચાઓ કરશે.
ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ સાથે ખાસ મુલાકાત કરશે.
'ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમ' (India-Australia CEOs Forum) માં ભાગ લેશે અને બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ તથા વ્યાપારી પ્રતિનિધિઓને સંબોધિત કરશે.
આ ઉપરાંત, તેઓ ભારતીય ડાયસ્પોરા (પ્રવાસી ભારતીયો) ના એક વિશાળ સંમેલનને પણ સંબોધશે, જેને વિદેશ મંત્રાલયે ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોના મજબૂત સ્તંભ તરીકે ગણાવ્યા છે.
આ ભવ્ય પ્રવાસ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ ધમકીના કારણે ઓસ્ટ્રેલિયન પ્રશાસન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે સંપૂર્ણ સજ્જ બન્યું છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
