તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
રોજ 3 થી 5 બોટલ નેલપોલિશ પીવાની જીવલેણ આદત : 'માય સ્ટ્રેન્જ એડિક્શન' શોમાં એક મહિલાએ ખુલાસો કર્યો
ડિપ્રેશનથી બચવા માટેની આ જીવલેણ આદત વિશે જાણીને નિષ્ણાતો સ્તબ્ધ :નેલપોલિશમાં રહેલા ઝેરી કેમિકલ્સ લીવર અને કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે: ડોક્ટરોએ તેને તાત્કાલિક રિહેબમાં દાખલ થવાની સલાહ આપી

દુનિયામાં લોકો તણાવ, ડિપ્રેશન કે અંગત મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે વિવિધ પ્રકારના નશાનો સહારો લેતા હોય છે. પરંતુ, અમેરિકાના એક પ્રખ્યાત ટીવી શો ‘માય સ્ટ્રેન્જ એડિક્શન’માં એક એવી મહિલાની કહાની સામે આવી છે, જે જાણીને વિજ્ઞાન અને મેડિકલ જગતના નિષ્ણાતો પણ આઘાતમાં છે. આ મહિલા છેલ્લા પાંચ વર્ષથી દારૂ કે ડ્રગ્સને બદલે 'નેલપોલિશ' પીવાની જીવલેણ લત ધરાવે છે.
આ મહિલા (જેનું નામ સુરક્ષાના કારણોસર ગુપ્ત રાખવામાં આવ્યું છે) એ શોમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે પણ તે માનસિક રીતે વ્યથિત હોય અથવા તેના પ્રેમી સાથે ઝઘડો થાય, ત્યારે તે દુઃખ ભૂલાવવા માટે નેલપોલિશની બોટલ પી લે છે. શરૂઆતમાં આ એક અકસ્માત હતો, પરંતુ ધીમે ધીમે તે આદત બની ગઈ. હવે તે રોજની 3 થી 5 બોટલ નેલપોલિશ પી જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, તેને સામાન્ય નેલપોલિશ કરતાં ગ્લિટર વાળી અને ચમકદાર રંગોની નેલપોલિશ પીવી વધુ પસંદ છે. તેને લાગે છે કે આ પીવાથી તેને શરીરમાં એક અલગ જ પ્રકારની એનર્જી અને ચમક મળે
ડોક્ટરો અને વૈજ્ઞાનિકો માટે આ વ્યસન અત્યંત ચિંતાજનક છે. નેલપોલિશમાં એસિટોન, ટોલ્યુઈન અને ફોર્માલ્ડિહાઈડ જેવા અત્યંત ઝેરી કેમિકલ્સ હોય છે. આ પદાર્થો માનવ શરીર માટે બનેલા નથી. ડોક્ટરોના મતે, સતત નેલપોલિશ પીવાથી માનવ લીવર, કિડની અને ફેફસાં પર ગંભીર અસર પડે છે. આટલું જ નહીં, તેનાથી બ્લડ સેલ્સને નુકસાન, ન્યુરોલોજીકલ સમસ્યાઓ અને લાંબા ગાળે કેન્સર થવાનું જોખમ પણ રહેલું છે. શોમાં ઉપસ્થિત ડોક્ટરે તેને તાત્કાલિક અસરથી આ વ્યસન છોડવા અને કોઈ રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ થવા સલાહ આપી છે.
મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે જ્યારે વ્યક્તિ ગંભીર ભાવનાત્મક આઘાત કે ડિપ્રેશન થી પીડાતી હોય, ત્યારે તે ઘણીવાર વિચિત્ર વસ્તુઓ તરફ આકર્ષાય છે. નેલપોલિશનો તીવ્ર કેમિકલ સ્વાદ અને તેનો રંગ તેને એક પ્રકારનો 'નશો' પૂરો પાડે છે. આ એપિસોડ ટીવી પર પ્રસારિત થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. લોકો આ મહિલાને પાગલ ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને માનસિક મદદની તાતી જરૂરિયાત હોવાનું કહી રહ્યા છે. આ કિસ્સો એ પણ સાબિત કરે છે કે માનસિક સ્વાસ્થ્યની અવગણના કેટલી હદે જીવલેણ બની શકે છે. મહિલા હજુ પણ આ વ્યસનમાંથી બહાર નીકળવા સંઘર્ષ કરી રહી છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
