<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

ઈરાન યુદ્ધનો ૧૧૨મો દિવસ : યુએસ સેનેટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ યુદ્ધ સત્તા પ્રસ્તાવ પસાર, સૈન્ય પાછું ખેંચવા આદેશ

ઈરાને બેલિસ્ટિક મિસાઈલ અંગે વાટાઘાટોનો સ્પષ્ટ ઈનકાર કર્યો : ઇઝરાયેલે એકલા હાથે સૈન્ય કાર્યવાહી કરવાની આપી ચીમકી : પરમાણુ કરારના લીક થયેલા દસ્તાવેજથી અમેરિકામાં હોબાળો : ફ્રેમવર્ક કરાર સંપૂર્ણપણે ઈરાનની તરફેણમાં

વોશિંગ્ટન: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના ૧૧૨મા દિવસે વૈશ્વિક રાજકારણમાં બહુ મોટા વળાંકો આવ્યા છે. અમેરિકાની રિપબ્લિકન બહુમતી ધરાવતી સેનેટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપતા ઈરાન યુદ્ધમાંથી યુએસ સૈન્યને પાછું ખેંચવાનો પ્રસ્તાવ પસાર કરી દીધો છે. સેનેટમાં આ યુદ્ધ સત્તા પ્રસ્તાવ ૫૦ વિરુદ્ધ ૪૮ મતોથી પસાર કરવામાં આવ્યો હતો, જેમાં સત્તાધારી રિપબ્લિકન પાર્ટીના જ ચાર સાંસદોએ પક્ષની લાઇનથી અલગ જઈને ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કર્યું હતું. ઇતિહાસમાં પ્રથમ વખત સેનેટે ટ્રમ્પના ઈરાન યુદ્ધ વિરુદ્ધ આવો પ્રસ્તાવ પસાર કર્યો છે. જો કે આ પ્રસ્તાવ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ વીટો વાપરે તેવી પૂરી શક્યતા છે, પરંતુ આનાથી એ સ્પષ્ટ સંકેત મળે છે કે હવે ખુદ રિપબ્લિકન સાંસદો પણ આ યુદ્ધથી અંતર જાળવી રહ્યા છે. સીએસઆઈએસના અંદાજ મુજબ આ યુદ્ધનો ખર્ચ ૩૪ થી ૪૨ અબજ ડોલર જેટલો થયો છે, જેનો વર્ષ ૨૦૨૬ કે ૨૦૨૭ ના સંરક્ષણ બજેટમાં કોઈ સમાવેશ કરાયો નથી. આ સ્થિતિમાં હવે આ યુદ્ધનો આર્થિક બોજ કોણ ઉપાડશે તે અંગે યુએસ સંસદમાં ઘમસાણ મચવાના એંધાણ છે.
બેલિસ્ટિક મિસાઈલ પર કોઈ ચર્ચા નહીં થાય: ઈરાનના રાષ્ટ્રપતિ
બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને આજે જાહેરમાં એક મોટી જાહેરાત કરતા અમેરિકા અને ઇઝરાયેલ માટે રેડ લાઇન ખેંચી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દેશની બેલિસ્ટિક મિસાઈલો અંગે ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનની આ લાંબી અંતરની મિસાઈલ ક્ષમતાને નષ્ટ કરવા માટે જ યુદ્ધનો માર્ગ અપનાવ્યો હતો. પરંતુ હવે ૬૦ દિવસની પરમાણુ વિન્ડો શરૂ થાય તે પહેલા જ ઈરાને આ મુદ્દાને વાટાઘાટોના ટેબલ પરથી સંપૂર્ણપણે હટાવી દીધો છે.
પરમાણુ નિરીક્ષણ અંગે ટ્રમ્પ અને ઈરાન સામસામે
આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે તેઓ આશ્વસ્ત છે કે ઈરાન પોતાના પરમાણુ મથકોના નિરીક્ષણ માટે તૈયાર થઈ જશે. જો કે, ઈરાનના સત્તાવાર અધિકારીઓએ ટ્રમ્પના આ દાવાને તદ્દન ખોટો ગણાવતા કહ્યું છે કે આવી કોઈ પણ પ્રકારની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી નથી. ઈરાનના સંસદ સ્પીકરે ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) યુદ્ધ પછીના નવા પ્રોટોકોલ નક્કી કરે તે પછી જ નિરીક્ષકોને પ્રવેશ મળશે અને તે પણ માત્ર એવા મથકો પર કે જેના પર બોમ્બમારો કરવામાં આવ્યો નથી. હાલમાં ઈરાન પાસે રહેલા ૪૬૦ કિલોગ્રામ જેટલા ૬૦ ટકા સંવર્ધિત યુરેનિયમનો જથ્થો હજુ પણ વણચકાસાયેલો પડ્યો છે.
ઇઝરાયેલ એકલા હાથે હુમલો કરી શકે છે: બેન ગ્વીર
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન ગ્વીરે આજે અમેરિકાની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો અમેરિકનો એવું વિચારતા હોય કે ઈરાન તેનો પરમાણુ કાર્યક્રમ છોડી દેશે તો તે તેમની મોટી નાદાની છે. તેમણે ખુલ્લી ચીમકી આપતા સંકેત આપ્યા હતા કે જો આ પરમાણુ ડીલ નિષ્ફળ જશે તો ઇઝરાયેલ તેહરાન વિરુદ્ધ કોઈ પણના સહકાર વગર એકલા હાથે સૈન્ય કાર્યવાહી કરી શકે છે.
લીક થયેલા દસ્તાવેજોથી વિવાદ: ઈરાનને ફાયદો
સીએસઆઈએસ દ્વારા આજે આ યુદ્ધ કરારના સંપૂર્ણ દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે, જેના વિશ્લેષણમાં એવું સામે આવ્યું છે કે આ ફ્રેમવર્ક કરાર સંપૂર્ણપણે ઈરાનની તરફેણમાં છે. અંતિમ કરારની વાટાઘાટો શરૂ થાય તે પહેલા જ ઈરાનને જોઈતી તમામ આર્થિક રાહતો મળી ગઈ છે. આ કરાર હેઠળ ઈરાનને ૨૫ અબજ ડોલરની ફ્રીઝ થયેલી સંપત્તિ પાછી મળશે, તેના પરથી ઓઇલ પ્રતિબંધો હટાવી લેવાશે અને નૌકા સૈન્ય દ્વારા કરાયેલી નાકાબંધી પણ હટાવી લેવામાં આવશે. આ તમામ રાહતો ઈરાનને એક પણ પરમાણુ છૂટછાટની ચકાસણી કર્યા વિના જ મળી રહી હોવાથી અમેરિકાના રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય અને વિરોધ જોવા મળી રહ્યો છે.

(1:22 PM IST)