<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

દાઉદના પૂર્વ અડ્ડા 'મુસાફિરખાના' પર બોમ્બે હાઈકોર્ટની લાલ આંખ: "નમાજ માટે પણ કોઈને અંદર ન જવા દો"

અત્યંત જર્જરિત અને દાઉદ ઈબ્રાહિમના કબજામાં રહી ચૂકેલી વિવાદિત ઈમારત 'મુસાફિરખાના'માં પ્રવેશ પર હાઈકોર્ટે મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ : કોર્ટને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ બદલ અરજદારની કાઢી ઝાટકણી : પોલીસને કડક બંદોબસ્ત ગોઠવવા આદેશ

મુંબઈ: દક્ષિણ મુંબઈ સ્થિત ઐતિહાસિક છતાં વિવાદિત એવી 'મુસાફિરખાના' ઈમારતને લઈને બોમ્બે હાઈકોર્ટે  અત્યંત કડક વલણ અપનાવ્યું છે. એક સમયે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના છુપાવાના સ્થળ તરીકે કુખ્યાત બનેલી આ ઈમારત હાલ અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્થાનિક પોલીસને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે આ ઈમારતમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશવા દેવામાં ન આવે—પછી ભલે તે નમાજ પઢવા માટે જ કેમ ન હોય. હજ યાત્રીઓ માટે બનાવવામાં આવેલી આ ધર્મશાળાના મોટા ભાગ પર ભૂતકાળમાં દાઉદે કબજો જમાવ્યો હતો, અને હાલ તેનું માળખું આંશિક રીતે તોડી પાડવામાં આવ્યું હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ છે.

આ મામલે બીએમસી (BMC) તરફથી હાજર રહેલા વકીલ અનિલ સખરેએ કોર્ટ સમક્ષ ચોંકાવનારી હકીકતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઈમારત અત્યંત જોખમી સ્થિતિમાં છે અને અહીં અગાઉ પણ જમીન ધસી પડવાની ત્રણ ગંભીર ઘટનાઓ બની ચૂકી છે, જેની મહત્વની વિગતો અરજદારે પોતાની અરજીમાં છુપાવી હતી. બીજી તરફ, અરજદારના વકીલ સના બાગવાલાએ દલીલ કરી હતી કે ભલે ત્યાં કોઈ રહેવા ન જાય, પરંતુ ઈમારતમાં આવેલા પ્રાર્થના હોલમાં દિવસમાં પાંચ સમયની નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવે. અરજદારની આ માંગ સાંભળીને જસ્ટિસ એમ.સી. ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેન્ચ ભારે નારાજ થઈ હતી.

કોર્ટે અરજદારને આકરા શબ્દોમાં ફટકાર લગાવતા કહ્યું હતું કે, અગાઉના આદેશ વખતે પણ પૂરતી વિગતો રજૂ કરવામાં આવી ન હતી. કોર્ટે ટકોર કરી હતી કે, "જો કોઈ આદેશ કોર્ટને ગેરમાર્ગે દોરીને મેળવવામાં આવ્યો હશે, તો અમે તેને જરાય ચલાવી લઈશું નહીં. કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ બંધ કરો; આ કોઈ મસ્જિદ નથી." અગાઉ ગયા અઠવાડિયે કોર્ટે ઈમારતના ડિમોલિશન (તોડકામ) પર રોક લગાવીને યથાસ્થિતિ જાળવવા કહ્યું હતું, પરંતુ જાનહાનિના જોખમને જોતા હવે પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. પોલીસને વિવાદિત સ્થળે ચાંપતો બંદોબસ્ત રાખવા જણાવાયું છે અને આ કેસની વધુ સુનાવણી આગામી ૩૦ નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

(8:11 PM IST)