<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

સરકારી નોકરી મેળવવા દીકરીએ સગી માની હત્‍યા કરી

શું જમાનો આવ્‍યો ! જયપુરમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી : કાવતરામાં ખાલી મહિલાની દીકરી નહીં પણ પરિવારના અન્‍ય લોકો પણ સામેલ હતા

જયપુર તા.૮: રાજસ્‍થાનની રાજધાની જયપુરમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જયપુર પોલીસે ત્રણ દિવસ પહેલા કથિત દુર્ઘટનામાં એક મહિલાના થયેલા મોત મામલામાં મોટો ખુલાસો કર્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્‍યું છે કે આ મામલો દુર્ઘટનાનો નહીં પણ હત્‍યાનો હતો. મહિલાની હત્‍યા તેની જ દીકરીએ તેમની જગ્‍યાએ નોકરી મેળવવા માટે કરી હતી. આ કાવતરામાં ખાલી મહિલાની દીકરી નહીં પણ પરિવારના અન્‍ય લોકો પણ સામેલ હતા. પોલીસે આ મામલામાં મૃતકની દીકરી સહિત સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હવે તેમની સાથે પૂછપરછ થઈ રહી છે.

જયપુર ડીસીપી રંજીતા શર્માએ મંગળવારે આ હત્‍યાકાંડનો ખુલાસો કરતા જણાવ્‍યું કે, ત્રણ દિવસ પહેલા ૪ જુલાઈના રોજ પ્રતાપનગર વિસ્‍તારમાં ૪૫ વર્ષની મહિલા નીરજ શર્માનું સ્‍કોર્પિયો ટક્કરથી મોત થયું હતું. પોલીસની તપાસમાં સામે આવ્‍યું છે કે આ દુર્ઘટના નહીં પણ હત્‍યા હતી. પોલીસે જ્‍યારે આ મામલામાં એક પછી એક કડી જોડી તો સત્‍ય સામે આવ્‍યું તે ખૂબ જ ચોંકાવનારું હતું. મહિલાની હત્‍યાનું કાવતરું કોઈ અન્‍યએ નહીં પણ ખુદ તેની દીકરી આયુષી (૨૩) અને પરિવારના અન્‍ય સભ્‍યોએ મળીને કર્યું હતું. પોલીસે આ મામલામાં સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ડીસીપીએ જણાવ્‍યું કે, આરોપીઓએ મહિલાની હત્‍યા માટે ભાડાના પાંચ બદમાશો હાયર કર્યા હતા. તેના માટે કિલર્સને સાત લાખ રૂપિયાની સોપારી આપી હતી. ત્‍યાર બાદ કિલર્સે ૪ જુલાઈના રોજ ફુલ સ્‍પીડે ગાડી ચલાવીને મહિલાની હત્‍યા કરી નાખી. આરોપી છેલ્‍લા બે મહિનાથી આ મહિલાની રેકી કરી રહ્યા હતા. હત્‍યાકાંડ પહેલા પણ મહિલાને બીજી ગાડીથી ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમાં આરોપીઓ સફળ થયા નહીં. પોલીસની તપાસમાં હત્‍યા પાછળ પારિવારિક કાવતરાની વાત પણ સામે આવી છે.

હત્‍યાનો શિકાર થયેલી મહિલા નીરજ શર્મા સરકારી કર્મચારી હતી. નીરજના પતિ પણ સરકારી કર્મચારી હતા. પણ તેમનું એક વર્ષ પહેલા મોત થઈ ગયું હતું. ત્‍યાર બાદ નીરજને પતિની જગ્‍યાએ નોકરી મળી હતી, પણ આયુષી પિતાની નોકરી મેળવવા માગતી હતી. તેથી નોકરી મેળવવા માટે દીકરીએ માતાને રસ્‍તામાંથી હટાવવાનો પ્‍લાન બનાવી નાખ્‍યો. આ પ્‍લાનિગમાં દીકરી આયુષી સાથે તેના તાઉ અને તેમનો દીકરો પણ સામેલ હતા. તાઉ અને તેમના દીકરા સામેલ હોવા પાછળ પ્રોપર્ટીનો વિવાદ હોઈ શકે છે. તેની તપાસ પણ થઈ રહી છે. પોલીસે આ હત્‍યાકાંડમાં સાત લોકોની ધરપકડ કરી લીધી છે. જેમાં મૃતકની દીકરી અને જેઠ પણ સામેલ છે. મહિલાના જેઠનો દીકરો બલરામ હજુ પણ ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે.

(10:18 AM IST)