તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
પ્રેમી સાથે લગ્ન કરવા દીકરીએ રચ્યું માતાને હટાવવાનું કાવતરું: પરિવાર મેળામાં ગયો અને ઘરે ખેલાયો ખૂની ખેલ
ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં સંબંધોને શરમાવે તેવી ચોંકાવનારી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો

કૌશાંબી,તા.૨૪: ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં સંબંધોને શરમાવે તેવી ચોંકાવનારી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જે માતાએ દીકરીને જન્મ આપ્યો અને ઉછેરીને મોટી કરી, એ જ દીકરીએ પ્રેમી સાથે લગ્ન કરવા માટે માતાની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે. માતા તેમના પ્રેમસંબંધનો વિરોધ કરતી હોવાથી દીકરી અને તેના પ્રેમીએ તેમને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું. આ માટે ઘરના સભ્યો મેળો જોવા જાય તેની રાહ જોવામાં આવી હતી. પરિવારના સભ્યો ઘરેથી નીકળ્યા બાદ પ્રેમી ઘરમાં ઘૂસ્યો અને ઈંટના ટુકડાથી માથામાં ઘા મારી મહિલાની હત્યા કરી નાખી. પોલીસે આ કેસમાં દીકરી અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.
આ ઘટના કૌશાંબી જિલ્લાના કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારના રસૂલપુર ગિરસા ગામની છે. ૨૦ નવેમ્બરની રાત્રે આશરે ૧૦:૩૦ વાગ્યે પોલીસને જાણ કરવામાં આવી હતી કે ઘરની અંદર ૫૦ વર્ષીય રાજમતિ નામની મહિલાની હત્યા કરવામાં આવી છે. સમાચાર મળતાં જ પોલીસ અધિક્ષક સત્યનારાયણ સહિતના ઉચ્ચ અધિકારીઓ ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા. ત્યારબાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસની ત્રણ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
પોલીસે તપાસ દરમિયાન ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને ગામના લોકોની પૂછપરછ કરી હતી. આ દરમિયાન દિલીપ કુમાર સરોજ અને મૃતક રાજમતિની સૌથી નાની દીકરી શૈલજા દેવી ઉર્ફે વિદ્યા પર પોલીસને શંકા ગઈ હતી. પોલીસે બંનેને અટકાયતમાં લઈને પૂછપરછ કરતાં હત્યાના કાવતરાનો ભેદ ઉકેલાયો હતો.
તપાસમાં સામે આવ્યું હતું કે શૈલજાને પોતાની જ મોટી બહેનના દિયર દિલીપ કુમાર સરોજ સાથે પ્રેમસંબંધ હતો. બંને લગ્ન કરવા માગતાં હતાં, પરંતુ શૈલજા દેવી તેમની વિરુદ્ધમાં હતા. તેથી શૈલજા અને દિલીપે તેમને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો પ્રમાણે, ૨૦ નવેમ્બરના રોજ શૈલજાએ દિલીપને ફોન કરીને જાણ કરી હતી કે સાંજે પરિવારના તમામ સભ્યો મેળો જોવા જવાના છે અને ઘરે બીજુ કોઈ નહીં હોય. આથી દિલીપને હત્યા કરવા માટે મોકો મળી ગયો હતો. ત્યારબાદ તેણે ઈંટના ટુકડાથી રાજમતિના માથા પર ઉપરાછાપરી ઘા કર્યા હતા, જેના કારણે તેમનું મોત થયું હતું. હત્યા કર્યા બાદ આરોપીએ ઈંટનો ટુકડો તળાવના કિનારે ફેંકી દીધો હતો. ત્યારબાદ પોતાના કપડાં અને બૂટ બદલીને મેળામાં પહોંચી ગયો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય.
પોલીસે દિલીપ કુમાર સરોજને તિલૈયા ટીકુર પુલ પાસેમાંથી ઝડપી પાડ્યો હતો, જ્યારે શૈલજા દેવી ઉર્ફે વિદ્યાની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછ બાદ પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલો ઈંટનો ટુકડો, લોહીવાળાં કપડાં અને મોબાઈલ ફોન કબજે કર્યા છે. એડિશનલ એસપી અમિતા સિંહે જણાવ્યું હતું કે મહિલાની માથા પર ઈંચના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મૃતકની દીકરી અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. બંને સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
