તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
'તારીખ પે તારીખ નહીં ચાલે': સુપ્રીમ કોર્ટે વકીલોને ખખડાવ્યા, કહ્યું- માત્ર મુલતવી રાખવાની સ્લિપ આપવી એ કેસ ટાળવાનું બહાનું નથી
'સુનાવણી ટાળવી કે નહીં તે કોર્ટ નક્કી કરશે, વકીલો નહીં'; કેસોના ભરાવાને રોકવા માટે સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવી બાર એસોસિએશનને આપ્યો સ્પષ્ટ સંદેશ

નવી દિલ્હી : ભારતમાં અદાલતોમાં પડતર કેસોની વધતી જતી સંખ્યા અને ન્યાય મળવામાં થતા વિલંબને રોકવા માટે દેશની સર્વોચ્ચ અદાલતે વકીલો વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પુનરોચ્ચાર કર્યો છે કે, વકીલો એવું માની ન શકે કે માત્ર એક મુલતવી રાખવાની (એડજર્નમેન્ટ) સ્લિપ અથવા પત્ર મોકલી દેવાથી કેસ આપોઆપ ટળી જશે. સુનાવણી મુલતવી રાખવાની સત્તા કેવળ અને કેવળ કોર્ટ પાસે જ અનામત છે. જ્યાં સુધી કોર્ટની બેન્ચ ખાસ મંજૂરી ન આપે, ત્યાં સુધી વકીલોએ હંમેશા પોતાના કેસની દલીલો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે.
આ મહત્વપૂર્ણ અવલોકન જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બનેલી બેન્ચ દ્વારા એક કેસની સુનાવણી દરમિયાન કરવામાં આવ્યું હતું. સુનાવણી દરમિયાન એક પક્ષના વકીલે એવી દલીલ કરી હતી કે સામેવાળા પ્રતિવાદીઓએ કેસ મુલતવી રાખવાની માંગ કરી હોવાથી આ મામલો આજે આગળ વધી શકે તેમ નથી. વકીલની આ રજૂઆત સામે તીખો પ્રતિક્રિયા આપતા જસ્ટિસ અમાનુલ્લાહે નિશ્ચિતપણે જણાવ્યું કે, માત્ર વિનંતી દાખલ કરવાથી કોર્ટ કાર્યવાહી રોકવા માટે બંધાયેલી નથી. તેમણે કહ્યું, "કાયદેસર રીતે સમજો, અમે મુલતવી રાખવાની મંજૂરી આપીએ છીએ કે નહીં તે અમારા પર નિર્ભર છે. તમારે દર વખતે તૈયાર થઈને જ દલીલ કરવી પડશે. જો કોર્ટ મંજૂરી આપશે, તો જ કેસ પાછો ઠેલાશે અને આ સમગ્ર બાર (વકીલ મંડળ) માટે અમારો બહુ સ્પષ્ટ સંદેશ છે."
સર્વોચ્ચ અદાલતની આ ટિપ્પણીઓ તેના માર્ચ ૨૦૨૬ ના પરિપત્ર દ્વારા રજૂ કરાયેલા કડક ધોરણોને વધુ મજબૂત બનાવે છે, જેણે મુલતવી રાખવાના જૂના નિયમોને બદલી નાખ્યા છે. નવા અને સુધારેલા નિયમો હેઠળ, નિયમિત રીતે લિસ્ટ થતા કેસોમાં વકીલોને મુલતવી રાખવાના પત્રો સબમિટ કરવાની સામાન્ય રીતે મંજૂરી મળતી નથી. એટલું જ નહીં, નવા દાખલ થયેલા મામલાઓમાં પણ આવી માત્ર એક જ વિનંતીને ગ્રાહ્ય રાખવામાં આવે છે. હવેથી જો કોઈ વકીલ તારીખ લંબાવવા માંગતા હોય, તો તેમણે તેનું ચોક્કસ અને વાજબી કારણ આપવું પડશે, અગાઉ કેટલી વાર મુલતવી રાખવાની માંગ કરી છે તેની જાહેરાત કરવી પડશે અને વિરોધી પક્ષને પણ તેની અગાઉથી લેખિત જાણ કરવી પડશે.
કોર્ટે કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે કે, કેસોનો સમયસર નિકાલ થાય અને ન્યાયિક પ્રક્રિયામાં થતા ટાળી શકાય તેવા વિલંબને ઘટાડી શકાય તે માટે વકીલોની આવી પ્રથાઓ પર રોક લગાવવી અનિવાર્ય છે. હવેથી ગંભીર બીમારી અથવા પરિવારમાં કોઈ શોક જેવા અત્યંત અપવાદરૂપ અને અનિવાર્ય સંજોગોમાં જ કોર્ટ દ્વારા સુનાવણી મુલતવી રાખવાની મંજૂરી આપવામાં આવશે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
