<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

સ્પા, ડાન્સ બાર અને ઓર્કેસ્ટ્રાની આડમાં બાળ તસ્કરીનું કાળું સત્ય: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ!

સગીરાઓના શોષણના ચોંકાવનારા આંકડા સામે આવતા સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: મનોરંજનના નામે ચાલતા આ 'ગુપ્ત અડ્ડાઓ' પર કાયદાકીય તરાપ મારવાની તૈયારી.

નવી દિલ્હી : દેશભરમાં મનોરંજન અને સુખાકારી (Wellness) સેવાઓના નામે ચાલતા સ્પા, મસાજ પાર્લર, ડાન્સ બાર અને ઓર્કેસ્ટ્રા ગ્રુપ્સમાં સગીરાઓની તસ્કરી અને તેમના જાતીય શોષણનો મુદ્દો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. 'જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ' નામના ૨૭૦થી વધુ સંસ્થાઓના ગઠબંધન દ્વારા દાખલ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ જાહેર હિતની અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને વિવિધ મંત્રાલયોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.
અરજીમાં રજૂ કરાયેલા આંકડા હચમચાવી દે તેવા છે. માર્ચ 2025 થી મે 2026 વચ્ચેના માત્ર એક વર્ષના ગાળામાં હાથ ધરવામાં આવેલી બચાવ કામગીરી દરમિયાન ઓર્કેસ્ટ્રા અને નૃત્ય જૂથોમાંથી ૨૧૨ સગીરો, જ્યારે સ્પા અને મસાજ પાર્લર જેવા સ્થળોએથી ૧૨ સગીરાઓને મુક્ત કરાવવામાં આવી હતી. અરજદારોનો ગંભીર આરોપ છે કે આ પ્રકારના વ્યવસાયો હવે સંગઠિત ગુનાખોરીના સિન્ડિકેટ માટે એક સુરક્ષિત કવચ બની ગયા છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, આસામ અને પાડોશી દેશ નેપાળથી સગીરાઓને લાવીને તેમને આવા સ્થળોએ મજબૂરીના કામમાં ધકેલી દેવામાં આવે છે.
વરિષ્ઠ વકીલ એચ.એસ. ફૂલકાએ અદાલતમાં દલીલ કરી હતી કે હાલના 'બાળ અને કિશોર મજૂરી પ્રતિબંધ અધિનિયમ' (CALPRA) માં રહેલી ખામીઓનો ગુનેગારો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. વર્તમાન કાયદા હેઠળ સ્પા, મસાજ પાર્લર અને જિમ્નેશિયમ જેવા સ્થળો 'ભાગ-બી' (Schedule B) માં આવે છે, જે કિશોરોને કામ કરવાની મંજૂરી આપે છે. અરજદારોની માંગ છે કે આ વ્યવસાયોને તાત્કાલિક 'ભાગ-એ' (Schedule A) માં ખસેડવામાં આવે, જેથી ૧૮ વર્ષથી ઓછી વયના કોઈપણ વ્યક્તિને ત્યાં રોજગાર આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી શકાય.
આ કેસની ગંભીરતાને જોતા સર્વોચ્ચ અદાલતે શ્રમ અને રોજગાર મંત્રાલય, કાયદા મંત્રાલય, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ને નોટિસ જારી કરી છે. અરજદારોએ ૨૦૧૧ના 'બચપન બચાવો આંદોલન' કેસનો સંદર્ભ આપતા માંગ કરી છે કે, જે રીતે અગાઉ સર્કસમાં બાળકોના રોજગાર પર પ્રતિબંધ મુકાયો હતો, તેવી જ રીતે મનોરંજનના નામે શોષણ કરતા આ તમામ વ્યવસાયોને 'જોખમી' જાહેર કરવામાં આવે. આ કેસ હવે બાળ સુરક્ષા અને માનવ તસ્કરી વિરોધી કાયદામાં એક મોટા સુધારાનો પાયો બની શકે તેમ છે.

(7:49 PM IST)