<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

દુબઈના ઝગમગાટ પાછળનું કાળું સત્ય: યુક્રેનિયન મોડલ પર વિદેશી કરોડપતિઓનો પાશવી અત્યાચાર, અસ્થિભંગ હાલતમાં રસ્તા પર ફેંકી દીધી!

મોતના મુખમાંથી પરત આવેલી મારિયા કોવલચુકે વર્ણવી આપવીતી; અધિકારીઓએ પુરાવા મિટાવ્યા હોવાનો આક્ષેપ, આરોપીઓએ નોર્વે સુધી પીછો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

ઓસ્લો (નોર્વે),: દુબઈના આલીશાન ગગનચુંબી મકાનો અને વૈભવી જીવનશૈલીની પાછળ એક અત્યંત ડરામણી વાસ્તવિકતા હોવાનો દાવો ૨૧ વર્ષીય યુક્રેનિયન મોડલ મારિયા કોવલચુકે કર્યો છે. ગત માર્ચ મહિનામાં મારિયા દુબઈના એક રસ્તા પર ગંભીર ઈજાઓ સાથે બેભાન હાલતમાં મળી આવી હતી. એમિરાતી સત્તાવાળાઓએ તેને કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પડી જવાની ઘટના ગણાવી હતી, પરંતુ મારિયાના જણાવ્યા મુજબ તેના પર બે નરાધમો દ્વારા પાશવી હુમલો કરવામાં આવ્યો હતો.
હોટલના રૂમમાં સર્જાયો ક્રૂર ખેલ
મારિયાએ જણાવ્યું કે તે એક ફોટોશૂટ માટે દુબઈ ગઈ હતી. ફ્લાઈટ મિસ થવાને કારણે તેણે પરિચિત વ્યક્તિની મદદ લીધી અને એક હોટલ રૂમમાં રોકાઈ, જ્યાં રશિયન અને બેલારુસિયન મૂળના બે પુરુષો અને બે છોકરીઓ હાજર હતી. ત્યાં દારૂ અને નશીલા દ્રવ્યોની મહેફિલ જામી હતી અને મારિયાને નશો કરાવી તેની સાથે શારીરિક શોષણ કરવાનો પ્રયાસ થયો હતો. તેનો પાસપોર્ટ અને ફોન છીણવી લેવામાં આવ્યો હતો અને જ્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના માથા પર જોરદાર પ્રહાર કરીને તેને ફેંકી દેવામાં આવી હતી.
ગંભીર ઈજાઓ અને અધિકારીઓનું વલણ
આ હુમલામાં મારિયાની કરોડરજ્જુના મણકા તૂટી ગયા હતા, બંને કોલરબોન ફેક્ચર થયા હતા અને ડાબા પગનું હાડકું ચામડી ચીરીને બહાર આવી ગયું હતું. તે ૮ દિવસ સુધી કોમામાં રહી હતી. મારિયાનો આક્ષેપ છે કે હોસ્પિટલના સ્ટાફે તેની ઓળખ છુપાવવા ખોટા નામે એન્ટ્રી કરી હતી અને પોલીસે તપાસના નામે સીસીટીવી ફૂટેજ ગાયબ કરી દીધા હતા. આરોપીઓ પ્રભાવશાળી પરિવારોમાંથી હોવાથી કેસ દબાવી દેવામાં આવ્યો હોવાનું તેનું માનવું છે.
નોર્વેમાં પણ મોતનો ડર
હાલ નોર્વેમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે નવી જિંદગી શરૂ કરી રહેલી મારિયાને હજુ પણ મોતની ધમકીઓ મળી રહી છે. આરોપીઓએ તેને અને તેની માતાને મેસેજ કર્યા છે કે, "અમે તમને નોર્વેમાં પણ શોધી કાઢીશું". આ ડરને કારણે નોર્વે પોલીસે પરિવારને 'પેનિક બટન' આપ્યા છે. મારિયાએ અન્ય યુવાન ઈન્ફ્લુએન્ઝર્સને ચેતવણી આપી છે કે દુબઈમાં કોઈ પર વિશ્વાસ ન કરવો, કારણ કે ત્યાં પૈસાના જોરે ન્યાયને ખરીદી શકાય છે.

(10:14 PM IST)