તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
મુંબઈ લોકલ ટ્રેનમાં રોજિંદી ત્રાસદી: દિવા-મુમ્બ્રા વચ્ચે ટ્રેનની ભારે ભીડ અને ધક્કામુક્કીથી ચાલુ ગાડીએ પટરી પર પડી મહિલા, સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ!
સવારના પીક અવર્સમાં ડોમ્બિવલી લોકલનું લાલ સિગ્નલ બન્યું જોખમી; ક્ષમતા કરતા અનેકગણા વધુ મુસાફરોના ભારણને કારણે ટ્રેનના દરવાજેથી પટકાયા પ્રવાસીઓ

થાણે : મુંબઈની લાઈફલાઈન ગણાતી સેન્ટ્રલ રેલવેના ઉપનગરીય નેટવર્ક પર મુસાફરોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ખડા થયા છે. દિવા અને મુમ્બ્રા સ્ટેશનો વચ્ચેના ભીડભાડવાળા વળાંક પર સવારના સમયે સનસનીખેજ ઘટના સામે આવી છે, જ્યાં ભારે ભીડના દબાણને કારણે એક મહિલા મુસાફર ચાલતી લોકલ ટ્રેનમાંથી નીચે પટકાઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં દૈનિક મુસાફરોમાં ભારે રોષ અને ફફડાટ ફેલાઈ ગયો છે.
શું હતી આખી ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર, સવારે આશરે 7:56 વાગ્યે ડોમ્બિવલી તરફ જતી એક લોકલ ટ્રેન દિવા અને મુમ્બ્રા વચ્ચેના વળાંક પર લાલ સિગ્નલ મળવાને કારણે અટકી હતી. સવારના વ્યસ્ત સમય (Peak Hours) હોવાને કારણે ટ્રેન અંદરથી ખીચોખીચ ભરેલી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટ્રેન અચાનક ઊભી રહેતા ડબ્બામાં રહેલી ભારે ભીડ અને ધક્કામુક્કીના દબાણને કારણે એક મહિલા સંતુલન ગુમાવી બેસી અને ટ્રેનમાંથી નીચે પાટા પર પડી ગઈ. આ પહેલાં પણ એક અન્ય મહિલા મુસાફર સિગ્નલ સ્ટોપેજ દરમિયાન ટ્રેનમાંથી નીચે ઉતરીને પાટા પર ચાલતી જોવા મળી હતી.
મુંબઈ લોકલની ભીડ બની રહી છે જીવનું જોખમ
મુંબઈની લોકલ ટ્રેનોમાં રોજ લાખો લોકો મુસાફરી કરે છે, પરંતુ ક્ષમતા કરતા અનેકગણા વધુ પ્રવાસીઓ અને ઓવરક્રાઉડિંગના કારણે સલામતીના ધજાગરા ઉડી રહ્યા છે. સમયસર ઓફિસ પહોંચવાની દોડમાં મુસાફરો જીવના જોખમે પ્રવાસ કરવા મજબૂર બને છે. આ ઘટના બાદ રેલવે પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી મોટો પ્રશ્ન ચિહ્ન લાગ્યો છે. પીડિતાની વર્તમાન સ્થિતિ અને સત્તાવાર વિગતો અંગે રેલવે અધિકારીઓ તરફથી વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
