News of Wednesday, 16th September 2026
દબંગાઈ અને અપ્રતિમ શૌર્યની મિસાલ: આસામની 'આયર્ન લેડી' અને જેએનયુના પૂર્વ વિદ્યાર્થી IPS સંજુક્તા પરાશરે રચ્યો ઈતિહાસ, CRPFના કમાન્ડો ફોર્સ CoBRA ના બન્યા પ્રથમ મહિલા વડા!
એકે-૪૭ સાથે ઉગ્રવાદીઓનો કાળ બનેલા મહિલા ઓફિસર હવે જંગલોમાં નક્સલવાદીઓની કમર ભાંગશે: ૧૯૯૬ની બેચના IPS દાનેશ રાણાનું સ્થાન સંભાળ્યું

નવી દિલ્હી, તા.૧૬: ભારતના સશસ્ત્ર બળોમાં મહિલા સશક્તિકરણની એક સોનેરી અને ઐતિહાસિક સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. આસામ-મેઘાલય કેડરના ૨૦૦૬ની બેચના નિડર અને જંબાઝ IPS અધિકારી સંજુક્તા પરાશરે CRPFની અત્યંત ખતરનાક અને વિશેષ દળ 'કોબ્રા' (કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન)ના ઇન્સ્પેક્ટર જનરલ (IG) તરીકેનો પદભાર સંભાળ્યો છે. ૧૦ બટાલિયનો ધરાવતી આ ઘાતક કમાન્ડો ફોર્સના વડા બનનાર તેઓ ભારતના સૈન્ય ઈતિહાસમાં સૌથી પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. તેઓ ૧૯૯૬ની બેચના IPS અધિકારી દાનેશ રાણાનું સ્થાન સંભાળી રહ્યા છે.
"આસામની આયર્ન લેડી" તરીકે ઓળખાતા પરાશરે ફિલ્ડ પોલીસિંગ, જંગલોમાં બળવાખોર વિરોધી કામગીરી અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તપાસ દ્વારા દેશભરમાં પોતાની આગવી અને ધાકડા બ્રાન્ડ ઊભી કરી છે. આસામના સોનિતપુર જિલ્લામાં SP તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે 'National Democratic Front of Bodoland' (NDFB) ના ઉગ્રવાદીઓ સામે લોહિયાળ યુદ્ધ ખેલ્યું હતું. હાથમાં AK-47 રાઈફલ સાથે ઓપરેશનલ ગિયરમાં દુર્ગમ જંગલોમાં આગળ વધીને મોરચો સંભાળતા તેમની તસવીરોએ સમગ્ર દેશને રોમાંચિત કર્યો હતો.
JNU થી લઈને NIA ના આતંકવાદ વિરોધી મિશન સુધીની દિલધડક સફર
સંજુક્તા પરાશરે દિલ્હી યુનિવર્સિટીની ઈન્દ્રપ્રસ્થ કોલેજ અને ત્યારબાદ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માંથી રાજકીય વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. સિવિલ સર્વિસમાં પસંદગી પામ્યા બાદ તેમણે IPS ની પસંદગી કરી હતી. આસામ પોલીસના મોરચે ઉગ્રવાદીઓને ધૂળ ચાટતા કર્યા બાદ તેમણે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સાથે જોડાઈને અનેક હાઈ-પ્રોફાઈલ આતંકવાદી કાવતરાંનો પર્દાફાશ કર્યો હતો. બાદમાં આસામ CID માં સેવા આપ્યા બાદ તેઓ ડેપ્યુટેશન પર CRPFમાં જોડાયા હતા.
કોબ્રા કમાન્ડો અને તેમની નવી મિશન એસાઇનમેન્ટ
CoBRA એ CRPF નું એક એવું વિશેષ દળ છે જે ઘનઘોર જંગલો અને ગેરિલા યુદ્ધ (છાપામાર યુદ્ધ) પદ્ધતિ માટે ખાસ તાલીમ પામેલું છે. ૨૦૦૮-૦૯માં ડાબેરી ઉગ્રવાદ અને નક્સલવાદનો સફાયો કરવા માટે બનેલી આ ફોર્સના જવાનો અતિ દુર્ગમ વિસ્તારોમાં એમ્બુશ, કાઉન્ટર-એમ્બુશ અને લાંબા અંતરની ગુપ્ત કામગીરી માટે જાણીતા છે. હાલમાં મણિપુરના તણાવગ્રસ્ત સુરક્ષા માહોલ વચ્ચે પણ CoBRA ને તૈનાત કરવામાં આવી છે. એક એવા સમયે જ્યારે સુરક્ષા પડકારો વધ્યા છે, ત્યારે 'આયર્ન લેડી' ના હાથમાં કમાન્ડ આવતા જ છાપામાર દળોનું મનોબળ સાતમા આસમાને પહોંચી ગયું છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
