<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

'અર્નબ'વાવાઝોડાનું તાંડવ : આંધ્રપ્રદેશ-ઓડિશામાં વિનાશ વેર્યો : ૩ના મોત

દરિયાકાંઠે ૧૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો રેલવે અને વિમાન સેવાઓ પ્રભાવિત : રસ્તાઓ જળમગ્નઃ વિજળી ગૂલ : અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયીઃ લોકોના ઘરમાં પાણી ઘુસ્યાં: લેન્ડફોલ બાદ વાવાઝોડાનું રોદ્ર સ્વરૃપ ૭૧૪ ગામો પ્રભાવિતઃ હવામાન વિભાગે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર

નવી દિલ્હી, તા.૨૮: બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન 'અર્નબ' આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકતાં જ સમગ્ર તટીય વિસ્તારમાં ભારે વિનાશ સર્જાયો છે. ૧૧૫ થી ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે ફૂંકાયેલા આફતના પવનો અને મુશળધાર વરસાદે વિશાખાપટ્ટનમ, કાકીનાડા, અનાકાપલ્લે અને કોનાસીમા જેવા જિલ્લાઓમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. સવારના સમયે લેન્ડફોલની પ્રક્રિયા શરૃ થતાં જ દરિયામાં ભયાનક ઊંચા મોજા ઉછળ્યા હતા. અનેક સ્થળે સેંકડો વર્ષ જૂના ઘેઘૂર વૃક્ષો મુળમાંથી ઉખડીને રસ્તાઓ પર ધસી પડ્યા હતા, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. વાવાઝોડાની અસર માત્ર આંધ્ર પ્રદેશ અને ઓડિશા સુધી મર્યાદિત નહીં રહે. હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

NDRF અને SDRF ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. વિવિધ રાજ્યોમાં NDRFની ૩૯ ટીમો તૈનાત છે. ૮૦ SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાએ રોદ્ર સ્વરૃપ ધારણ કરતાં ૩ના મોત થયા છે. આંધ્રપ્રદેશમાં ૭૧૪ ગામડાઓ પ્રભાવિત થયા છે.

વિજળીના થાંભલા અને સપ્લાય વાયરો ધરાશાયી થવાને કારણે આંધ્રપ્રદેશના વિશાળ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. ઉત્તર ચેન્નાઈના એન્નોરથી લઈને વિશાખાપટ્ટનમના દરિયાકિનારા સુધીના નીચાણવાળા રસ્તાઓ પર દરિયાઈ પૂરના પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગે સ્થિતિ અત્યંત ગંભીર દર્શાવીને તમામ લોકોને ઘરોમાં જ સુરક્ષિત રહેવાની કડક સૂચના આપી છે. તોફાની હવામાનના લીધે હવાઈ અને રેલ વ્યવહાર પર પણ માડી અસર પડી છે; એર ઈન્ડિયા, ઈન્ડિગો અને અકાસા જેવી મુખ્ય એરલાઈન્સે ડઝનબંધ ફ્લાઈટો રદ કરી છે, જ્યારે રેલવે વિભાગ દ્વારા ૭૦ થી વધુ ટ્રેનો રદ અથવા ડાયવર્ટ કરવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ઉત્તર ચેન્નાઈના એન્નોર વિસ્તાર તેમજ વિશાખાપટ્ટનમમાં દરિયાઈ પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેનાથી રોડ ટ્રાફિક ગંભીર રીતે પ્રભાવિત થયો છે. વહીવટીતંત્રે દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમુદ્રથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળોએ ખસવા માટે કડક સૂચનાઓ આપી છે.

પ્રતિકૂળ હવામાન અને વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એકસપ્રેસ, ઇન્ડિગો અને અકાસા એર જેવી મુખ્ય એરલાઇન્સે ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે. એરલાઇન્સ દ્વારા મુસાફરોને એરપોર્ટ તરફ પ્રયાણ કરતા પહેલા તેમની ફ્લાઇટનું સ્ટેટસ ચકાસવાની સલાહ આપવામાં આવી છે.

આ ભયાનક ચક્રવાતની અસર હવે અન્ય રાજ્યોમાં પણ વર્તાવા લાગી છે. વાવાઝોડાના પગલે ભારતીય હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યકત કરી છે. વહીવટીતંત્રે દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરીને સશસ્ત્ર બળો અને NDRFની ટુકડીઓને સ્ટેન્ડબાય રાખી દીધી છે

(3:56 PM IST)