<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

અર્નબ વાવાઝોડાનો કહેર: ઓડિશાના 300 ગામ સંપર્કવિહોણા, એર લિફ્ટની તૈયારી

ગંજમ જિલ્લામાં ઋષિકુલ્યા નદી ભયજનક સપાટીએ, NDRF ની ટીમોને પહોંચવામાં ભારે મુશ્કેલી

ભુવનેશ્વર/વિશાખાપટ્ટનમ તા.૨૯ : બંગાળની ખાડીમાં સર્જાયેલ અતિ તીવ્ર ચક્રવાતી તોફાન 'અર્નબ' એ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ હવે ઓડિશામાં ભારે તબાહી મચાવી છે. ઓડિશાના ગંજમ જિલ્લામાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી સતત ધોધમાર વરસાદથી ઋષિકુલ્યા નદીના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે, જેના પાણી ગામોમાં ફરી વળ્યા છે.

 ગંજમ જિલ્લાના સોરડા અને અસ્કા વિસ્તારમાં સૌથી વધુ અસર છે. આશરે 300 જેટલા ગામો ચોતરફથી પૂરના પાણીથી ઘેરાઈ જતાં સંપૂર્ણ સંપર્કવિહોણા બની ગયા છે અને તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે.

 માર્ગો બંધ થતાં NDRF અને સ્થાનિક બચાવ ટુકડીઓને પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જે વિસ્તારોમાં માર્ગે પહોંચવું અશક્ય છે, ત્યાં એર લિફ્ટ જ એકમાત્ર આશા છે.

 ઓડિશા સરકારે ફસાયેલા લોકોને બચાવવા એર લિફ્ટની તૈયારી કરી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. મુખ્ય સચિવ અનુ ગર્ગના જણાવ્યા મુજબ સરકારની પ્રથમ પ્રાથમિકતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની છે. પરંતુ સતત વરસાદ અને નીચા ઘેરા વાદળોના કારણે હેલિકોપ્ટર ઓપરેશનમાં વિલંબ થઈ રહ્યો છે.

IMD મુજબ 'અર્નબ' વાવાઝોડું 28 ઓક્ટોબરની વહેલી સવારે 1:20 વાગ્યે બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક યાનમની દક્ષિણે ત્રાટક્યું હતું. તે સમયે પવનની ઝડપ 125-135 કિમી/કલાક અને ઝાપટાં 150 કિમી/કલાક સુધી પહોંચ્યા હતા. આંધ્રમાં 5 લોકોના મોત, 400થી વધુ વૃક્ષો ધરાશાયી અને 13 જિલ્લામાં ફ્લેશ ફ્લડનું એલર્ટ છે. 84,000 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

અર્નબ નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે, જેનો અર્થ 'મહાસાગર' થાય છે. 

(4:16 PM IST)