News of Wednesday, 28th October 2026
ચક્રવાત 'અર્નબ'નું રોદ્ર રૂપ: આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની ભીતિ વચ્ચે ૮૯ હજાર લોકોનું સ્થળાંતર : રેડ એલર્ટ જારી
૧૫૦ કિમીની ઝડપે ફૂંકાતા પવનો સાથે ગઈ કાલે વહેલી સવારે વિશાખાપટ્ટનમ અને યાનમ વચ્ચે થશે લેન્ડફોલ: રેલ-હવાઈ વ્યવહારને ભારે અસર : ૧૬ જિલ્લામાં શાળાઓ બંધ અને ૨૪ કલાક વોર રૂમ કાર્યરત

વિશાખાપટ્ટનમ: બંગાળની ખાડીમાં સર્જાયેલું અત્યંત ભયાનક ચક્રવાતી તોફાન 'અર્નબ' હવે ભયાનક સ્વરૂપ ધારણ કરીને પૂર્વ કિનારા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તે પૂર્વે જ આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં રોદ્ર દરિયાઈ મોજાં અને ધોધમાર વરસાદે વિનાશનો સંકેત આપી દીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૮ ઓક્ટોબરની વહેલી સવારે ૨ થી ૪ વાગ્યાના સમયગાળા દરમિયાન વાવાઝોડું વિશાખાપટ્ટનમ, કાકીનાડા અને યાનમ નજીકના કાંઠે લેન્ડફોલ કરશે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આંધ્રપ્રદેશના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ૮૯,૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વિશાખાપટ્ટનમ હવામાન કેન્દ્રના ડિરેક્ટર પી.એલ.એન. મૂર્તિના જણાવ્યા મુજબ, ચક્રવાત ૧૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને વાવાઝોડાનો બહારનો હિસ્સો જમીની વિસ્તારને સ્પર્શી ચૂક્યો છે. લેન્ડફોલ સમયે પવનની ગતિ ૧૨૫ થી ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાક રહેશે, જે વધીને ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ભયાનક ઝડપ પણ પકડી શકે છે. વાવાઝોડાની અસર માત્ર આંધ્રપ્રદેશ પૂરતી સીમિત ન રહેતાં ઓડિશાના ગંજમ, ગોપાલપુર અને પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા, પૂર્વ મેદિનીપુર, હાવડા અને કોલકાતા સુધી જોવા મળી રહી છે, જ્યાં ભારે પવન સાથે મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોઈ ઓડિશાના ૧૬ જિલ્લામાં તમામ શાળાઓ બંધ રાખવાના આદેશ અપાયા છે.
વાવાઝોડાની આ આપત્તિને પહોંચી વળવા ઈસ્ટ કોસ્ટ રેલ્વે અને દક્ષિણ કોસ્ટ રેલ્વે દ્વારા મુસાફરોની સુરક્ષા માટે ૨૪ કલાક ચાલતો સ્પેશિયલ 'વોર રૂમ' સ્થાપિત કરવામાં આવ્યો છે. સંવેદનશીલ રેલવે ટ્રૅક્સ પર સતત પેટ્રોલિંગ વધારી દેવાયું છે. પૂર્વ કોસ્ટ રેલવે અને સાઉથ ઈસ્ટર્ન રેલવે દ્વારા અત્યાર સુધીમાં ૧૨ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોને રસ્તામાં જ અટકાવી દેવામાં આવી છે. આ ઉપરાંત વિજયવાડા અને વિશાખાપટ્ટનમ એરપોર્ટ પરથી ઉડાન ભરતી અનેક ફ્લાઈટ્સ પર પણ વિપરીત અસર પડી છે. દરિયાકાંઠે રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
