તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
‘અકવાન’ વાવાઝોડું આજે સાંજે વધુ શક્તિશાળી બનશે અને ગુરુવાર સવાર સુધીમાં પ્રચંડ સ્વરૂપ પકડશે: આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે પવન અને વરસાદનો જબરો ખતરો, ઓડિશામાં બચાવદળો સાબદા
શુક્રવારે આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠે નેલ્લોરથી તુની વચ્ચે દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા, પવનની ઝડપ કલાકે ૧૪૫ કિલોમીટર સુધી પહોંચી શકે: સવારે અઢી વાગ્યે છેલ્લા નવ કલાકથી લગભગ સ્થિર

નવી દિલ્હી, તા. ૧૭ બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘અકવાન’ વાવાઝોડું આગામી દિવસોમાં અત્યંત શક્તિશાળી સ્વરૂપ ધારણ કરે તેવી ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે. આજે સવારે ૨:૩૦ વાગ્યે વાવાઝોડાનું કેન્દ્ર ચેન્નાઈથી લગભગ ૬૧૦ કિલોમીટર પૂર્વમાં, મછલીપટ્ટનમથી ૬૬૦ કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં અને વિશાખાપટ્ટનમથી ૬૭૦ કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હતું. છેલ્લા નવ કલાક દરમિયાન વાવાઝોડું લગભગ સ્થિર રહ્યું હતું.
હવામાન વિભાગની તાજી આગાહી મુજબ આજે સાંજ સુધીમાં તે ગંભીર ચક્રવાત અને ૧૯ નવેમ્બરની સવાર સુધીમાં અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.
ત્યારબાદ ૨૦ નવેમ્બરે શુક્રવારે બપોર આસપાસ આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠે નેલ્લોરથી તુની વચ્ચે ત્રાટકવાની શક્યતા છે. આ સમયે પવનની સતત ઝડપ કલાકે ૧૨૦થી ૧૩૦ કિલોમીટર અને ઝાપટાંમાં ૧૪૫ કિલોમીટર સુધી પહોંચી શકે છે.
ઓડિશા સરકારે દરિયાકાંઠા અને દક્ષિણના જિલ્લાઓને સતર્ક કર્યા છે. અહેવાલો અનુસાર ૬૦ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ - રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળની ટુકડીઓ અને ૧૪ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળની ટુકડીઓ તૈયાર રાખવામાં આવી છે. જિલ્લાઓમાં ચોવીસ કલાક કંટ્રોલ રૂમ અને જરૂર પડે તો સ્થળાંતરની વ્યવસ્થા રાખવાની સૂચના આપવામાં આવી છે.
વાવાઝોડું ૨૦ નવેમ્બરે ત્રાટકશે તે હજુ આગાહી છે તેની દિશા અને તીવ્રતામાં ફેરફાર થઈ શકે છે.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
