News of Tuesday, 2nd June 2026
મ્યાનમારમાં ભારતીયો પર સાયબર ગુલામીનું સંકટ: 2,400 થી વધુ લોકો હેમખેમ પરત, હજુ પણ 150 લોકો મોતની ખીણમાં કેદ!
વિદેશ મંત્રાલયે જારી કર્યો ગંભીર અહેવાલ: ચીની સિન્ડિકેટ દ્વારા સંચાલિત 'KK પાર્ક' જેવી જગ્યાએ ફસાયા છે નિર્દોષ ભારતીયો, બચાવ કામગીરી માટે સરકારની મથામણ

નવી દિલ્હી, તા.02: મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોનો મામલો વધુ એકવાર ચર્ચામાં આવ્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી તાજેતરની માહિતી મુજબ, છેલ્લા દોઢ વર્ષમાં સરકારે ઓપરેશન ચલાવીને 2,411 ભારતીય નાગરિકોને મ્યાનમારના સાયબર કૌભાંડના કમ્પાઉન્ડમાંથી હેમખેમ સ્વદેશ પરત લાવવામાં સફળતા મેળવી છે. જોકે, હજુ પણ આશરે 150 થી વધુ ભારતીયો આ ખતરનાક જગ્યાએ ફસાયેલા હોવાનું માનવામાં આવે છે.
શું છે આ સાયબર કૌભાંડનું કાળું સત્ય?
મ્યાનમારના મ્યાવાડી ક્ષેત્રમાં આવેલો 'KK પાર્ક' વૈશ્વિક સ્તરે ઓનલાઈન છેતરપિંડી માટે કુખ્યાત છે. અહેવાલો મુજબ, આ કમ્પાઉન્ડ ચીની ગુનાહિત સિન્ડિકેટ દ્વારા ચલાવવામાં આવે છે અને તેને મ્યાનમારના સૈન્ય સાથે જોડાયેલા સ્થાનિક સશસ્ત્ર જૂથોનું પીઠબળ છે. અહીં નોકરીની લાલચ આપીને નિર્દોષ લોકોને બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને બંદી બનાવીને સાયબર ફ્રોડ કરવા મજબૂર કરવામાં આવે છે.
સરકારની ઉચ્ચ સ્તરીય મથામણ
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ માહિતી આપી હતી કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મીન આંગ હ્લેઇંગ વચ્ચે થયેલી દ્વિપક્ષીય વાટાઘાટોમાં આ મુદ્દો મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યો છે. ભારત સરકાર મ્યાનમારના તંત્ર સાથે સતત સંપર્કમાં છે જેથી બાકીના ભારતીયોને વહેલી તકે મુક્ત કરાવી શકાય.
પ્રાદેશિક સહયોગની તાતી જરૂરિયાત
આ મામલે ચોંકાવનારી વાત એ છે કે, ઘણા ભારતીયોને ત્રીજા દેશોના માર્ગેથી આ કમ્પાઉન્ડ સુધી તસ્કરી કરીને લાવવામાં આવે છે. વિદેશ સચિવે ભારપૂર્વક કહ્યું હતું કે, આ સમસ્યા માત્ર દ્વિપક્ષીય નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષાનો વિષય છે. તેને રોકવા માટે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો વચ્ચે વ્યાપક પ્રાદેશિક સંકલન હોવું અત્યંત જરૂરી છે.
પરિવારજનો માટે આશાનું કિરણ
સરકારે ખાતરી આપી છે કે, જ્યાં સુધી છેલ્લો ભારતીય નાગરિક ત્યાંથી પરત નહીં ફરે, ત્યાં સુધી આ બચાવ અભિયાન અવિરત ચાલુ રહેશે. વિદેશ મંત્રાલયે આ કિસ્સાઓનો ઉલ્લેખ કરીને યુવાનોને સાવધ કર્યા છે કે વિદેશમાં મળતી આકર્ષક નોકરીઓની ઓફર્સ પાછળ છુપાયેલા જોખમોને પારખવામાં ભૂલ ન કરે.
હાલમાં ભારત સરકારની તમામ એજન્સીઓ બાકીના 150 ભારતીયોને શોધવા અને તેમને સુરક્ષિત પરત લાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
