તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 22nd October 2026
'સાયબર શોક!' : અમેરિકી બેંકિંગ ક્ષેત્રને હચમચાવતી ઘટના : પરવાનગી વગર ગ્રાહકોના ખાતામાં એન્ટ્રી કરી રહ્યા છે AI એજન્ટ્સ, બેંકોમાં ભારે દોડધામ
મોર્ગન સ્ટેન્લી, બેંક ઓફ અમેરિકા, જેપી મોર્ગન અને વેલ્સ ફાર્ગો જેવી દિગ્ગજ બેંકો એલર્ટ પર : અનધિકૃત મની ટ્રાન્સફર અને ફંડ હેરફેરના જોખમને રોકવા કડક પ્રતિબંધો લાગુ (ન્યૂઝફર્સ્ટ)

ન્યુયોર્ક (ન્યૂઝફર્સ્ટ) : અમેરિકી બેંકિંગ ક્ષેત્રે એક મોટી સાયબર સુરક્ષા ચેતવણી સામે આવી છે, જેમાં થર્ડ-પાર્ટી AI (કૃત્રિમ બુદ્ધમત્તા) એજન્ટ્સ દ્વારા ગ્રાહકોના બેંક ખાતાઓમાં પરવાનગી વગર અનધિકૃત પ્રવેશ કરવામાં આવી રહ્યો હોવાનું માલૂમ પડ્યું છે. આ AI એજન્ટ્સ ગ્રાહકની સ્પષ્ટ સૂચના કે મંજૂરી વગર જ ખાતામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને પગલે અમેરિકી બેંકો કોઈપણ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે કટોકટીની તૈયારીઓ કરી રહી છે.
વર્તમાન સમયમાં બેંકો માટે અસલી માનવ ગ્રાહકો અને AI એજન્ટ્સ વચ્ચે ભેદ પારખવો તેમજ તે એજન્ટો પાસે ખાતાની સત્તા કે પરવાનગી છે કે નહીં તેની ખરાઈ કરવી એક મોટો સુરક્ષા પડકાર બની ગયો છે. મોર્ગન સ્ટેન્લી, બેંક ઓફ અમેરિકા, જેપી મોર્ગન ચેઝ અને વેલ્સ ફાર્ગો જેવી અગ્રણી વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ આ અનધિકૃત AI એજન્ટ્સ દ્વારા ઊભા થતા જોખમોનો સામનો કરી રહી છે.
નાણાકીય હેરફેરનું જોખમ અને બેંકો દ્વારા લેવાયેલા કડક પગલાં:
આ ગંભીર સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને મોર્ગન સ્ટેન્લી દ્વારા થર્ડ-પાર્ટી એજન્ટ્સને બ્લોક કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જેપી મોર્ગન ચેઝ, બેંક ઓફ અમેરિકા અને સિટી (Citi) જેવી બેંકો દ્વારા પણ આવા અનધિકૃત એજન્ટ્સના એક્સેસ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના મતે, ખાતા સુધી પહોંચ ધરાવતા આ એજન્ટ્સ પાસે ઓનલાઈન ખરીદી કરવાની સત્તા અથવા ભંડોળ (ફંડ) હેરફેર કરવાની ક્ષમતા હોઈ શકે છે, જે ગ્રાહકો અને બેંકો બંને માટે મોટું આર્થિક જોખમ સર્જી શકે છે. આ જોખમને નાથવા માટે બેંકો હવે 'રીડ-ઓન્લી' એક્સેસને વધુ પ્રાધાન્ય આપી રહી છે, જેના દ્વારા AI ફક્ત નાણાકીય માહિતી જોઈ શકે પરંતુ નાણાકીય વ્યવહારો કે લેવડ-દેવડ ન કરી શકે.
ઇમરજન્સી પ્લાન અને કટોકટીની તૈયારીઓ:
બેંકિંગ ક્ષેત્રમાં ટેકનોલોજી અને AI અપનાવવાની ઝડપ સુરક્ષા નિયંત્રણો કરતાં ઘણી આગળ નીકળી ગઈ છે, જેને કારણે બેંકોએ હવે સુરક્ષાના મોરચે ઇમરજન્સી પ્લાન તૈયાર કર્યા છે. સંભવિત મોટા જોખમોને ટાળવા માટે ઝડપી ખાતા લોકડાઉન (Account Lockdowns) અને વિશેષ રિકવરી પ્લાન તૈયાર રાખવામાં આવ્યા છે જેથી ગ્રાહકોના નાણાકીય હિતોનું રક્ષણ થઈ શકે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
