તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 19th November 2026
વૈશ્વિક નાણાકીય ક્ષેત્રમાં સાયબર હુમલાનો ખળભળાટ : હેકર્સ ગ્રુપ ‘n0n’ દ્વારા જેપી મોર્ગન ચેઝ, વિઝા અને માસ્ટરકાર્ડના હજારો પ્રીમિયમ ગ્રાહકોનો ડેટા લીક કરાયાનો દાવો
જેપી મોર્ગનના અતિ-ધનિક ગ્રાહકોના આશરે ૧૬,૦૦૦ ઈમેલ, ફોન નંબર અને એકાઉન્ટ આઈડી જાહેર : વિઝાના ૬,૦૦૦થી વધુ પ્રીમિયમ કાર્ડધારકોની માહિતી લીક : બંને સંસ્થાઓએ થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઈડર પર હુમલો થયો હોવાની અને મુખ્ય સિસ્ટમ સુરક્ષિત હોવાની કરી સ્પષ્ટતા

ન્યૂયોર્ક: અમેરિકા અને વૈશ્વિક નાણાકીય જગતની અગ્રણી સંસ્થાઓ જેપી મોર્ગન ચેઝ, વિઝા અને માસ્ટરકાર્ડના ગ્રાહકોનો સંવેદનશીલ ડેટા લીક થયો હોવાના અહેવાલોથી ભારે ખળભળાટ મચી ગયો છે. ‘n0n’ નામની રેન્સમવેર અને ખંડણીખોર ગેંગે ૧૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ પોતાની લીક સાઇટ પર આ ત્રણેય દિગ્ગજ કંપનીઓના નામ મૂકી ૪૮ કલાકનું અલ્ટિમેટમ આપ્યા બાદ હજારો ગ્રાહકોની માહિતી જાહેર કરી દીધી છે.
જેપી મોર્ગન ચેઝના અતિ-ધનિક ગ્રાહકો નિશાના પર:
હેકર્સ ગ્રુપ દ્વારા જેપી મોર્ગન ચેઝના આશરે ૧૬,૦૦૦ ગ્રાહકોના ઈમેલ એડ્રેસ, ફોન નંબર અને એકાઉન્ટ આઈડી પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ ડેટા બેંકના ખાસ ‘રિઝર્વ પ્રોગ્રામ’ સાથે સંબંધિત હોવાનું જણાય છે, જે માત્ર આમંત્રણથી મળતું વિઝા ક્રેડિટ કાર્ડ છે અને તેના માટે ગ્રાહક પાસે ઓછામાં ઓછી ૧૦ મિલિયન ડોલર (આશરે ૮૫ કરોડ રૂપિયા) ની સંપત્તિ હોવી જરૂરી છે. નિષ્ણાતોના મતે ઈમેલ એડ્રેસનો ઉપયોગ ગ્રાહકોના ઘરના સરનામા શોધવા અને ફિશિંગ હુમલા કરવા માટે થઈ શકે છે. અગાઉ હેકર્સે દાવો કર્યો હતો કે તેમની પાસે પ્રીમિયમ કાર્ડધારકોના લાખો માર્કેટિંગ વ્યવહારો અને પોસ્ટલ કોડ ધરાવતી ડિરેક્ટરી છે, જોકે સાયબર ન્યૂઝના સંશોધકોએ તપાસેલી ફાઇલ માત્ર ૫૦૨ કિલોબાઇટની હતી. આ ફાઇલ સમગ્ર ડેટા છે કે માત્ર સેમ્પલ તે હજુ સ્પષ્ટ થયું નથી.
બેંક અને વિઝાની સ્પષ્ટતા: થર્ડ-પાર્ટી વેન્ડર પર હુમલો
જેપી મોર્ગન ચેઝના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે સાયબર હુમલાનું નિશાન બેંકને સેવા આપતા થર્ડ-પાર્ટી વેન્ડર્સ બન્યા હતા, જ્યાંથી માર્કેટિંગ ડેટા, ગ્રાહકોના નામ અને ઈમેલ એડ્રેસ સુધી પહોંચ મેળવવામાં આવી હોવાની આશંકા છે. બેંકે જણાવ્યું કે તેમની સેવાઓમાં કોઈ વિક્ષેપ પડ્યો નથી અને અસરગ્રસ્ત ગ્રાહકોનો સીધો સંપર્ક કરીને મફત ક્રેડિટ મોનિટરિંગ સહિતની સહાય પૂરી પાડવામાં આવશે. સપ્તાહની શરૂઆતમાં સોફ્ટવેર બગના કારણે થયેલા ટેકનિકલ વિક્ષેપને આ સાયબર હુમલા સાથે કોઈ સંબંધ નથી. બીજી તરફ, સાયબર ન્યૂઝના અહેવાલ મુજબ હેકર્સે વિઝાના ૬,૦૦૦થી વધુ પ્રીમિયમ કાર્ડધારકોની વિગતો પણ જાહેર કરી છે. વિઝાએ પુષ્ટિ કરી છે કે એશિયા-પેસિફિક ક્ષેત્રના એક થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઈડરને અસર થઈ છે, પરંતુ વિઝાની પોતાની સિસ્ટમ સંપૂર્ણ સુરક્ષિત છે અને પેમેન્ટ કાર્ડ નંબર લીક થયા હોવાના કોઈ સંકેત નથી.
કોણ છે આ ‘n0n’ હેકર્સ ગ્રુપ?
સપ્ટેમ્બર ૨૦૨૬માં પ્રથમ વખત સામે આવેલું ‘n0n’ ગ્રુપ અત્યાર સુધીમાં ટ્રાવેલ કંપની એક્સપીડિયા સહિત અનેક સંસ્થાઓ પર હુમલાની જવાબદારી સ્વીકારી ચૂક્યું છે. આ એઆઈ-આધારિત ખંડણીખોર ગેંગ એક જ મહિનામાં ટોચના ત્રણ રેન્સમવેર જૂથોમાં સામેલ થઈ ગઈ છે. સાયબર સુરક્ષા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે હાલ આ દાવાઓને બિનચકાસાયેલા ગણીને ગ્રાહકોને ફિશિંગ ઈમેલથી બચાવવા જોઈએ તેમજ ફોર્ટીગેટ એસએસએલ-વીપીએન, આરડીપી, વિનઆરએમ અને એડબ્લ્યુએસ કી જેવા એક્સેસ માર્ગોને સુરક્ષિત કરવા જરૂરી છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
