<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સાંસ્કૃતિક સેતુ મજબૂત થશે: ક્રાંતિકારી કવિ કાઝી નઝરૂલ ઈસ્લામની યાદમાં 'નઝરૂલ બોર્શો' ની ઉજવણી નિમિત્તે કરાર!

ઢાકામાં ભારતીય હાઈ કમિશનર દિનેશ ત્રિવેદી અને બાંગ્લાદેશના સાંસ્કૃતિક મંત્રી નિતાઈ રોય ચૌધરી વચ્ચે યોજાઈ મહત્વની બેઠક; શાસ્ત્રીય સંગીત, લોક કલા અને વારસાના સંરક્ષણ માટે સંયુક્ત કાર્યક્રમો યોજાશે

ઢાકા : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે બંને દેશોએ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. બાંગ્લાદેશમાં ક્રાંતિકારી કવિ કાઝી નઝરૂલ ઈસ્લામની ૧૨૭મી જન્મજયંતિ નિમિત્તે વર્ષભર ચાલનારી 'નઝરૂલ બોર્શો' (નઝરૂલ વર્ષ) ઉજવણી દરમિયાન બંને પડોશી દેશોએ શાસ્ત્રીય સંગીત, લોક કલા અને વારસાના સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે.

 

ઢાકામાં ભારતીય હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ બાંગ્લાદેશના સાંસ્કૃતિક બાબતોના મંત્રી નિતાઈ રોય ચૌધરી અને રાજ્યમંત્રી અલી નવાઝ મહમૂદ ખય્યામ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના "ઊંડા મૂળવાળા સાંસ્કૃતિક જોડાણ" ને વધુ મજબૂત કરવા અને બંને દેશોના નાગરિકો વચ્ચે સદ્ભાવના વધારવા માટે સંયુક્ત સાંસ્કૃતિક કાર્યક્રમો, પરિષદો અને સંસ્થાકીય જોડાણો સ્થાપિત કરવા અંગે વિગતવાર ચર્ચા થઈ હતી.

 

ઉલ્લેખનીય છે કે "બિદ્રોહી કોબી" (બળવાખોર કવિ) તરીકે ઓળખાતા કાઝી નઝરૂલ ઈસ્લામનો જન્મ ૧૮૯૯ માં પશ્ચિમ બંગાળના ચુરુલિયામાં થયો હતો. તેમની કવિતાઓ અને ગીતોએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં અન્યાય અને સાંપ્રદાયિકતા સામે લડવા માટે લાખો લોકોને પ્રેરણા આપી હતી. બાંગ્લાદેશમાં ૨૫ મે, ૨૦૨૬ થી ૨૫ મે, ૨૦૨૭ સુધી તેમના સન્માનમાં 'નઝરૂલ બોર્શો' મનાવવામાં આવી રહ્યું છે. તેમનો વારસો ભારત અને બાંગ્લાદેશ બંને દેશો માટે એક અનમોલ સાંસ્કૃતિક સેતુ સમાન છે.

(8:03 PM IST)