તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
ક્યુબા હવે સંપૂર્ણ 'નિષ્ફળ દેશ', ૭૦ ટકા અર્થવ્યવસ્થા પર પ્રાઇવેટ સેનાનો કબ્જો: અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોનો ધડાકો
પ્રજા પાસે ઈંધણના પૈસા નથી ને ક્યુબાની સેના પાસે ૧૮ અબજ ડોલરની સંપત્તિ!: ક્યુબાની કંગાળ સ્થિતિ પર અમેરિકાના આકરા પ્રહારો

વોશિંગ્ટન: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ક્યુબાને સત્તાવાર રીતે એક નિષ્ફળ દેશ ગણાવ્યો છે. તેમણે ખળભળાટ મચાવતો ખુલાસો કર્યો છે કે ક્યુબાની પ્રજા સરકારના નિયંત્રણમાં છે, પરંતુ આખો દેશ અને તેની ૭૦ ટકા જીડીપી એક ખાનગી લશ્કરી સંગઠનના હાથમાં છે. આ સંગઠન ૧૮ અબજ ડોલરની સંપત્તિ પર કબ્જો જમાવીને બેઠું છે, જ્યારે દેશમાં ઈંધણ ખરીદવાના પૈસા નથી અને વીજળી ડૂલ છે.
અમેરિકાના વિદેશ મંત્રી (સેક્રેટરી ઓફ સ્ટેટ) માર્કો રૂબિયોએ ક્યુબાની કમરતોડ આર્થિક સ્થિતિ, ત્યાંની સરમુખત્યારશાહી અને લશ્કરી શાસન પર આકરા પ્રહારો કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ધડાકો કર્યો છે. ક્યુબાની સ્થિતિ અંગે બોલતા રૂબિયોએ સ્પષ્ટ શબ્દોમાં ક્યુબાને એક 'નિષ્ફળ દેશ' (ફેલ્ડ સ્ટેટ) જાહેર કર્યો છે અને ત્યાંની કંગાળિયત પાછળના કાળા સત્યને દુનિયા સમક્ષ ખુલ્લું પાડ્યું છે.
વિડીયો નિવેદન અને આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ, રૂબિયોએ જણાવ્યું હતું કે ક્યુબાનું વર્તમાન આર્થિક મોડલ ક્યારેય સફળ થઈ શકે તેમ નથી અને તે સંપૂર્ણપણે ભાંગી પડ્યું છે. સૌથી મોટી ચોંકાવનારી બાબત એ છે કે ક્યુબા હવે ત્યાંની સરકાર દ્વારા પણ ચલાવવામાં આવતું નથી. તેમણે કહ્યું કે, "દેશની પ્રજા ભલે સરકારના અંકુશ હેઠળ પીસાતી હોય, પરંતુ આખો દેશ એક ખાનગી લશ્કરી સંગઠનના ઈશારે નાચે છે."
આંતરરાષ્ટ્રીય અહેવાલો અને એક્સ (અગાઉનું ટ્વિટર) પર વાયરલ થયેલી વિગતોની ખરાઈ કરતા સામે આવ્યું છે કે, ક્યુબામાં સેનાના નિયંત્રણવાળી કંપની અર્થવ્યવસ્થા પર માફિયાની જેમ વર્ચસ્વ ધરાવે છે. માર્કો રૂબિયોએ આંકડાઓ આપતા જણાવ્યું કે આ લશ્કરી સંગઠન ક્યુબાની કુલ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ના ૭૦ ટકા હિસ્સા પર સીધું નિયંત્રણ ધરાવે છે.
ક્યુબાની બેવડી નીતિ અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે, આ લશ્કરી સંગઠન પાસે ૧૮ અબજ ડોલરની અઢળક સંપત્તિ જમા પડેલી છે. પરંતુ આ અબજો ડોલરમાંથી એક પણ રૂપિયો સરકારી તિજોરીમાં જતો નથી કે નથી તેનો ઉપયોગ ક્યુબાની ગરીબ પ્રજાના ભલા માટે થતો.
બીજી બાજુ ક્યુબાની વાસ્તવિક સ્થિતિ વર્ણવતા તેમણે કહ્યું કે, વર્ષોના ગેરવહીવટ અને રોકાણના અભાવે ક્યુબાના પાવર પ્લાન્ટ્સ (વીજ મથકો) સદંતર નિષ્ફળ ગયા છે. દેશમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. રૂબિયોએ કટાક્ષ કરતા કહ્યું કે, "આ કેવો દેશ છે? એક તરફ આખો દેશ ઈંધણ ખરીદવાના પૈસા ન હોવાથી અંધકારમાં ડૂબેલો છે, પાવર પ્લાન્ટ્સ બંધ પડ્યા છે, અને બીજી તરફ તેમનું લશ્કરી સંગઠન ૧૮ અબજ ડોલરની સંપત્તિ પર સાપની જેમ બેઠું છે." આ નિવેદન દર્શાવે છે કે અમેરિકા ક્યુબાના લશ્કરી શાસકો સામે આગામી દિવસોમાં વધુ કડક વલણ અપનાવી શકે છે. ક્યુબા ઉપરનો અમેરિકી હુમલો હવે નિશ્ચિત બનતો જાય છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
