<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

ન્યાયની આશામાં સુપ્રીમ કોર્ટ પહોંચેલી મહિલાનો આક્રંદ: જસ્ટિસની સામે જ ગળામાંથી મંગળસૂત્ર ઉતારીને રડી પડી અરજદાર

​'મારા માટે હવે બધું જ ખતમ થઈ ગયું છે, ૧૫ વર્ષથી હું ન્યાયની રાહ જોઈને થાકી ગઈ છું', કોર્ટ રૂમમાં મહિલાએ વ્યક્ત કરી પોતાની વેદના

​નવી દિલ્હી: ​દેશની સર્વોચ્ચ અદાલતમાં સોમવારે એક અત્યંત ભાવુક દ્રશ્ય સામે આવ્યું હતું, જેમાં એક મહિલા અરજદારે ન્યાય મેળવવા માટેની પોતાની લાચારી અને આક્રોશ જાહેરમાં વ્યક્ત કર્યો હતો. હૈદરાબાદથી આવેલા આ મહિલા અરજદારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ખંડપીઠ સમક્ષ પોતાની વ્યથા રજૂ કરતી વખતે ગળામાંથી મંગળસૂત્ર ઉતારીને ન્યાયતંત્રની સમક્ષ મૂકી દીધું હતું, જેને જોઈને કોર્ટરૂમમાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

​પ્રાપ્ત વિગતો અનુસાર, આ મહિલા છેલ્લા દોઢ દાયકાથી એટલે કે ૧૫ વર્ષથી કાયદાકીય લડાઈ લડી રહી છે. સુનાવણી દરમિયાન જ્યારે ખંડપીઠે તેને આ બાબતે શાંત રહેવા અને આગામી સોમવારે સુનાવણી માટે રાહ જોવા સૂચન કર્યું હતું, ત્યારે મહિલાએ ભાવુક થઈને કહ્યું હતું કે, "માઈલોર્ડ, આ ૧૫ વર્ષમાં મારું આખું જીવન અને પરિવાર બરબાદ થઈ ગયો છે. હું હવે આર્થિક અને માનસિક રીતે તૂટી ગઈ છું."

​પોતાની વાત રજૂ કરતાં મહિલાએ વધુમાં કહ્યું કે, એક ભારતીય પરિણીત મહિલા માટે મંગળસૂત્રનું મહત્વ શું હોય છે તે જગજાહેર છે, પરંતુ આજે ન્યાય મેળવવા માટે તેને પોતાની છેલ્લી નિશાની પણ ઉતારવાની ફરજ પડી છે. તેણે કોર્ટને આજીજી કરી હતી કે હવે તેના ગળામાં કાંઈ જ બાકી રહ્યું નથી અને બધું જ ખતમ થઈ ગયું છે.

​આ ઘટના બાદ કોર્ટમાં થોડો સમય માટે ગંભીર શાંતિ છવાઈ ગઈ હતી. મહિલાની આવી સ્થિતિને જોઈને ત્યાં ઉપસ્થિત વકીલો અને અન્ય લોકો પણ ભાવુક બન્યા હતા. ન્યાયતંત્રના ઇતિહાસમાં પોતાની વેદના વ્યક્ત કરવાની આવી રીતે મંગળસૂત્ર ઉતારવાની ઘટના અત્યંત દુર્લભ માનવામાં આવે છે, જેણે હવે કાયદાકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે.

(1:00 PM IST)