<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

ક્રુઝ શિપ પર 'પેટના ફ્લૂ'નો આતંક: ૧૦૦થી વધુ મુસાફરો નોરોવાયરસની ઝપેટમાં, જંગલની આગની જેમ ફેલાતો નવો ખતરો

દૂષિત પાણી અને ખોરાકથી ફેલાતો આ અતિ ચેપી વાયરસ બંધ વાતાવરણમાં બને છે ઘાતક: સતત ઉલટી, ઝાડા અને ડિહાઇડ્રેશનના કારણે કેરેબિયન ક્રુઝમાં મચ્યો હાહાકાર

નવી દિલ્હી:  હંટાવાયરસના ડર બાદ હવે 'નોરોવાયરસ'એ વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. તાજેતરમાં ફ્લોરિડાથી રવાના થયેલા એક કેરેબિયન ક્રુઝ શિપ પર ૧૦૦થી વધુ મુસાફરો અને ક્રૂ સભ્યો અચાનક બીમાર પડતા આ વાયરસનો પર્દાફાશ થયો છે. નોરોવાયરસ એ અત્યંત ચેપી વાયરસ છે, જે માનવ શરીરમાં પ્રવેશતા જ પેટ અને આંતરડામાં ગંભીર બળતરા પેદા કરે છે, જેને તબીબી ભાષામાં 'તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરિટિસ' કહેવામાં આવે છે. આ વાયરસની ખાસિયત એ છે કે તે ક્રુઝ શિપ, હોસ્ટેલ કે નર્સિંગ હોમ જેવી ભીડભાડવાળી જગ્યાઓએ ખૂબ જ ઝડપથી ફેલાય છે.

આ રોગના લક્ષણો વાયરસના સંપર્કમાં આવ્યાના ૧૨ થી ૪૮ કલાકમાં દેખાય છે, જેમાં સતત ઉલટી, ઉબકા, પેટમાં અસહ્ય દુખાવો અને ઝાડા મુખ્ય છે. જોકે મોટાભાગના દર્દીઓ ૨ થી ૩ દિવસમાં સ્વસ્થ થઈ જાય છે, પરંતુ શરીરમાં પાણી ઘટી જવું એટલે કે 'ડિહાઇડ્રેશન' આ રોગમાં સૌથી મોટું જોખમ છે. તે દૂષિત સપાટીઓને સ્પર્શ કરવાથી, ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી અથવા અધકચરા રાંધેલા સીફૂડ અને અસ્વચ્છ શાકભાજી ખાવાથી ફેલાય છે. આશ્ચર્યની વાત એ છે કે વ્યક્તિ સાજો થયાના બે અઠવાડિયા સુધી પણ અન્યને ચેપ લગાડી શકે છે.

નિષ્ણાતોના મતે, નોરોવાયરસથી બચવા માટે 'સ્વચ્છતા' એ જ એકમાત્ર રામબાણ ઈલાજ છે. વારંવાર સાબુથી હાથ ધોવા, ફળો-શાકભાજીને સાફ પાણીથી ધોઈને વાપરવા અને બીમાર વ્યક્તિએ બીજા માટે રસોઈ ન કરવી જેવી સાવચેતી અત્યંત જરૂરી છે. ઘરની સપાટીઓને બ્લીચયુક્ત ક્લીનરથી સાફ રાખવી અને દૂષિત કપડાંને ગરમ પાણીમાં ધોવા જોઈએ. ઉનાળાની સિઝનમાં જ્યારે લોકો વધુ પ્રવાસ કરતા હોય છે, ત્યારે આ વાયરસથી બચવા માટે વ્યક્તિગત સ્વચ્છતા અને ખાનપાનમાં કાળજી રાખવી અનિવાર્ય છે.

(7:06 PM IST)