તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
સિસ્ટમની ક્રૂરતા કે ગરીબની લાચારી? માત્ર 16 હજાર માટે બેંકે ડેથ સર્ટિફિકેટ માંગતા ભાઈએ બહેનની કબર ખોદી નાખી, ખભા પર કંકાલ લઈને બેંક પહોંચતા મચ્યો હાહાકાર!
ઓડિશાના ક્યોંઝરમાં આદિવાસી વૃદ્ધની બેબસીએ માનવતાને શર્મસાર કરી: પુરાવા તરીકે બહેનનું હાડપિંજર બેંકની બહાર મૂકીને ધરણા પર બેઠો, પોલીસ અને લોકોના ટોળા ઉમટ્યા

ભુવનેશ્વર: ઓડિશાના ક્યોંઝર જિલ્લામાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેણે ન માત્ર વહીવટીતંત્રની ખામીઓને ઉજાગર કરી છે, પરંતુ ગરીબી અને નિરક્ષરતાના કારણે માણસ કેટલો લાચાર બની શકે છે તેનું વરવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીંના દિયાનાલી ગામમાં રહેતા એક આદિવાસી વૃદ્ધે પોતાની મૃત બહેનના બેંક ખાતામાંથી પૈસા કાઢવા માટે બહેનનું કંકાલ કબર ફેંદીને બહાર કાઢ્યું અને તેને બેંકના દરવાજે લાવીને મૂકી દીધું હતું.
શા માટે લેવું પડ્યું આવું ભયાનક પગલું?
મળતી માહિતી મુજબ, જીતુ મુંડા નામના વૃદ્ધની મોટી બહેનનું બે-ત્રણ મહિના પહેલા બીમારીના કારણે અવસાન થયું હતું. બહેનના નામે ઓડિશા ગ્રામ્ય બેંકમાં આશરે 16 હજાર રૂપિયા જમા હતા. પરિવારમાં કોઈ વારસદાર ન હોવાથી જીતુ મુંડા આ પૈસા લેવા માટે બેંકના ચક્કર કાપતો હતો. જોકે, બેંકના અધિકારીઓએ નિયમ મુજબ બહેનનું મૃત્યુ પ્રમાણપત્ર (ડેથ સર્ટિફિકેટ) માંગ્યું હતું. ગરીબી અને અજ્ઞાનતાને કારણે જીતુ પાસે કોઈ દસ્તાવેજ નહોતા અને વારંવારની વિનંતી છતાં બેંકે પૈસા આપવાની ના પાડી દીધી હતી.
કંકાલ સાથે બેંકની બહાર ધરણા
બેંકના ધક્કા ખાઈને કંટાળેલા જીતુ મુંડાએ અંતે કાળજું કઠણ કરીને મોડી રાત્રે પોતાની બહેનની કબર ખોદી નાખી હતી. તે બહેનનું કંકાલ (હાડપિંજર) એકઠું કરીને પોતાના ખભા પર લાદીને સીધો બેંક પહોંચ્યો હતો. તેણે બેંક પરિસરની બહાર જ એ હાડપિંજર મૂકી દીધું અને પુરાવા તરીકે તેને જોવા માટે અધિકારીઓને પડકાર્યા હતા. આ દ્રશ્ય જોઈને બેંકમાં આવેલા અન્ય ગ્રાહકો અને કર્મચારીઓના હોશ ઊડી ગયા હતા.
પોલીસે મામલો સંભાળ્યો
આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને લોકોમાં બેંકના વલણ સામે રોષ જોવા મળ્યો હતો. મામલો બિચકતો જોઈને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જીતુ મુંડાને સમજાવ્યો અને માનવીય અભિગમ દાખવીને તે કંકાલને ફરીથી સન્માનપૂર્વક દફનાવવાની વ્યવસ્થા કરી હતી.
હાલમાં સ્થાનિક વહીવટીતંત્રે ખાતરી આપી છે કે વૃદ્ધને તેની બહેનના પૈસા મળી રહે તે માટે જરૂરી સરકારી પ્રક્રિયાઓ અને દસ્તાવેજો બનાવવામાં મદદ કરવામાં આવશે. પરંતુ, આ ઘટનાએ સવાલ ઊભો કર્યો છે કે શું નિયમોની જાળમાં માનવતા આટલી હદે દબાઈ જવી જોઈએ?
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
