<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિદ્યાર્થી અને પૂજારીને બંધક બનાવી નગ્ન કરી ફટકાર્યો : લાખોની ખંડણી વસૂલી રસ્તા પર ફેંકી દીધો

ઢાકા યુનિવર્સિટીના લો સ્ટુડન્ટ સુભાષ દેઉરીનું અપહરણ કરી આચરવામાં આવી અમાનુષી હિંસા: ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાતા દેશભરના લઘુમતીઓમાં ભારે ફફડાટ

ઢાકા:  બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર અત્યાચાર અને હિંસાનો વધુ એક કંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેનાથી સ્થાનિક હિન્દુઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. રાજધાની ઢાકાની જગન્નાથ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતા અને સાથે જ મંદિરના પૂજારી તરીકે સેવા આપતા ૨૫ વર્ષીય હિન્દુ વિદ્યાર્થી સુભાષ દેઉરી પર સોમવારે મોડી રાત્રે અજાણ્યા બદમાશોએ ઘાતકી હુમલો કર્યો હતો. અપહરણકારોએ પહેલા દેઉરીને બંધક બનાવ્યો હતો અને ત્યારબાદ તેને નગ્ન કરી શારીરિક તેમજ માનસિક રીતે ભયંકર ત્રાસ આપ્યો હતો. મંગળવારે વહેલી સવારે જૂના ઢાકા વિસ્તારની એક અવાવરુ ગલીમાંથી તે બેભાન અને લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેના મિત્રોએ તેને તાત્કાલિક ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ આખી ઘટના પૈસા પડાવવાના હેતુથી અને પૂર્વ આયોજિત કાવતરા અંતર્ગત અંજામ આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. મૂળ ખુલનાના મગુરા જિલ્લાનો વતની સુભાષ દેઉરી રાત્રે ૧૧:૩૦ વાગ્યે કોઈ કામ અર્થે રૂમની બહાર નીકળ્યો હતો, જ્યાંથી તેનું અપહરણ કરાયું હતું. મોડી રાત્રે તેના જ મોબાઈલ નંબર પરથી તેના મિત્ર અને બહેન જયાને ફોન આવ્યા હતા, જેમાં અજાણ્યા શખ્સોએ દેઉરીને છોડવાના બદલામાં ૩૦,૦૦૦ બાંગ્લાદેશી ટાકાની ખંડણી માંગી હતી. ગભરાયેલી બહેન જયાએ અપહરણકારો દ્વારા આપવામાં આવેલા બેંક ખાતામાં તાત્કાલિક ૨૬,૦૦૦ ટાકા ટ્રાન્સફર કર્યા હતા. પૈસા મળ્યા બાદ બદમાશો દેઉરીનું પાકીટ અને મોબાઈલ લૂંટીને તેને રસ્તા પર મરણાતોલ હાલતમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા.

ચોંકાવનારી વાત એ છે કે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં હજુ સુધી પોલીસમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. આ સંવેદનશીલ મામલે 'બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદ'ના પ્રવક્તા કાજલ દેબનાથે જણાવ્યું છે કે, તેઓ પીડિત પરિવારના સંપર્કમાં છે અને આ ઘટના પાછળ માત્ર લૂંટનો ઈરાદો હતો કે પછી ધાર્મિક નફરતને કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો છે, તે અંગેની તમામ ઝીણવટભરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં અવારનવાર હિન્દુ ધાર્મિક અગ્રણીઓ અને પૂજારીઓ પર થતા આવા હુમલાઓને કારણે હવે વૈશ્વિક સ્તરે પણ માનવાધિકાર સંસ્થાઓ આ ઘટના પર નજર રાખી રહી છે.

(10:20 PM IST)