તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ૧૦૦ ડોલરની નીચે ગગડયા
ટ્રમ્પની ધમકીની અસર આંતર રાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ધડામ દઈને નીચે આવતા આયાતકાર દેશોને મોટી રાહત

વોશિંગ્ટન, તા.૨૩: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન ઈરાનને લઈને અત્યંત આક્રમક વલણ અપનાવતા જોખમી ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં કોઈ સમજૂતી નહીં થાય તો ઇસ્લામિક રિપલિકાનો સંપૂર્ણ નાશ કરવામાં આવશે. આ સાથે જ તેમણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઝડપથી ઘટવાની મોટી આગાહી પણ કરી હતી. ટ્રમ્પના આ કડક નિવેદન બાદ વૈશ્વિક રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ હતી અને તેની સીધી અસર ઊર્જા બજારો પર જોવા મળી હતી.
આ ધમકીના થોડા જ કલાકો બાદ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે મોટો કૂટનીતિક વળાંક આવ્યો હતો, જેમાં યુએસ અધિકારીઓ (મુખ્ય દૂતો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર) અને ઈરાની પ્રતિનિધિઓ વચ્ચે આશરે ત્રણ કલાક સુધી બંધ બારણે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અત્યંત સકારાત્મક રહી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. બીજી તરફ, ઈરાન તરફથી પણ એવા સંકેતો આપવામાં આવ્યા હતા કે જો અમેરિકા લશ્કરી દબાણ અને નાકાબંધી હટાવે તો મુખ્ય પરિવહન માર્ગ એવા હોર્મુઝ સ્ટ્રેટને સાત દિવસમાં ફરી ખોલી શકાય છે.
કૂટનીતિક સ્તરે થયેલી આ હિલચાલ અને ટ્રમ્પની આગાહીના પગલે લાંબા સમયથી ૧૦૦ ડૉલર પ્રતિ બેરલથી ઉપર ટ્રેડ થઈ રહેલું ક્રૂડ ઓઇલ અચાનક ધડામ દઈને નીચે ગગડી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટીને ૧૦૦ ડૉલરની નીચે (આશરે ૯૮ ડૉલર આસપાસ) પહોંચી ગયા છે, જ્યારે ડબલ્યુટીઆઈ ક્રૂડ પણ ઘટીને ૮૯ ડૉલર પ્રતિ બેરલ આસપાસ આવી ગયું છે. તેલના ભાવ ઘટવાથી ભારત સહિતના આયાતકાર દેશોમાં ફુગાવા અને મોંઘવારીનું જોખમ હાલ પૂરતું ઘટતું જોવા મળી રહ્યું છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
