News of Friday, 13th November 2026
કુલગામમાં CRPF પાર્ટી પર આતંકી હુમલોઃ બાઇક સવાર હુમલાખોરોનો અંધાધૂંધ ગોળીબારઃ ૩ જવાન ઘાયલ
સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન તેજ કર્યુ : આખરાન નજીક ચોકીને નિશાન બનાવી આતંકીઓ ફરાર

કુલગામ, તા.૧૩: જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવીને કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે.
આખરાન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગથી આશરે ચાર કિલોમીટર દૂર તૈનાત CRPFની પેટ્રોલિંગ પાર્ટી અને ચોકી પર બપોરે ૨:૧૫ વાગ્યાની આસપાસ મોટરસાયકલ પર આવેલા અજાણ્યા આતંકીઓએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાનોએ પણ તાત્કાલિક વળતો પ્રહાર કર્યો હતો, પરંતુ હુમલાખોરો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ ગોળીબારમાં CRPFના ત્રણ જવાનો ઘાયલ થયા છે.
હુમલામાં ઘાયલ થયેલા ત્રણેય જવાનોને તાત્કાલિક સારવાર અર્થે અનંતનાગની સરકારી મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં સામેલ જવાન સંતોષ ચંદ્રુને પેટ, કરોડરજ્જુ અને શરીરના ઉપરના ભાગમાં અનેક ગોળીઓ વાગી હોવાથી તેમની હાલત અત્યંત ગંભીર છે અને હાલ તેમની સર્જરી ચાલી રહી છે. જ્યારે અન્ય બે જવાનો રાકેશ દાસ અને સોમવીર સિંહ ની હાલત હાલ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ ક્વિક રિએક્શન ટીમ અને વધારાના સુરક્ષા દળો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. હુમલાખોરોને ઝડપી પાડવા માટે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આતંકીઓની ઓળખ કરવા અને તેમને ઠાર મારવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દેવામાં આવી છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
