News of Thursday, 26th November 2026
અનંતસિંહની પુત્રીના શાહી લગ્નમાં જનસૈલાબઃ પતરાળા માટે પડાપડી અને ઘોડાદોડ અધવચ્ચે અટકાવવી પડી!
એક તરફ લગ્નનો ભવ્ય જશ્ન તો બીજી તરફ પહેલી ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ શરણાગતિ સ્વીકારવાની તલવાર : કોઈને આમંત્રણપત્રની જરૂર નથી તેવી જાહેરાત બાદ નદવા ગામમાં પાંચ લાખથી વધુ લોકો ઊમટી પડતા ૧૦ કિલોમીટર સુધી મહાટ્રાફિક જામ સર્જાયો

પટણા, તા.૨૬: બિહારના મોકામાના બાહુબલી ધારાસભ્ય અને છોટે સરકાર તરીકે જાણીતા અનંત સિંહની નાની પુત્રી શિવાંગી સિંહના ઋષિકેશ કુમાર સાથેના લગ્ન બુધવારે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યા હતા.
પટણા જિલ્લાના નદવા ગામમાં યોજાયેલા આ ભવ્ય લગ્ન સમારોહમાં જાણે કોઈ મોટો રાજકીય મેળાવડો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. અનંત સિંહે અગાઉ એવું ખુલ્લું એલાન કર્યું હતું કે લગ્નમાં આવવા માટે કોઈને આમંત્રણપત્રની જરૂર નથી, જેના પરિણામે સ્થાનિક અંદાજ મુજબ પાંચ લાખ જેટલા સમર્થકો, ચાહકો અને ગ્રામજનોનો જનસૈલાબ નદવા ગામ તરફ ઊમટી પડ્યો હતો.
આ અકલ્પનીય ભીડને કારણે સમગ્ર વિસ્તારની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને ગામ તરફ જતા માર્ગો પર અંદાજે દસ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગતા મહાટ્રાફિક જામ સર્જાયો હતો. લગ્નના જમણવારમાં પણ ભારે અવ્યવસ્થા જોવા મળી હતી, જ્યાં ભોજનની પતરાળાઓ મેળવવા માટે મહેમાનો વચ્ચે રીતસરની પડાપડી થઈ હતી. આ ઉપરાંત, મહેમાનોના મનોરંજન માટે રાખવામાં આવેલી વિશેષ ઘોડાદોડ પણ બેકાબૂ બનેલી ભીડ અને સુરક્ષાના કારણોસર અધવચ્ચે જ અટકાવી દેવાની ફરજ પડી હતી, જ્યારે કેટલાક ઉત્સાહી લોકો તો નજારો જોવા માટે ઊંચા ટાવરો ઉપર પણ ચડી ગયા હતા.
એક તરફ પુત્રીના લગ્નનો ભવ્ય ઉત્સવ અને સમર્થકોનો અપાર પ્રેમ જોવા મળ્યો, તો બીજી તરફ અનંત સિંહના માથે કાયદાકીય સંકટના વાદળો પણ ઘેરાયેલા છે. બહુચર્ચિત દુલારચંદ યાદવ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે અનંત સિંહના જામીન રદ કર્યા છે અને તેમને આગામી પહેલી ડિસેમ્બર સુધીમાં શરણાગતિ સ્વીકારવાનો કડક આદેશ આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતે માનવીય અભિગમ દાખવીને માત્ર પુત્રીના લગ્નની વિધિઓ પૂર્ણ કરવા માટે જ તેમને આ રાહત આપી હતી, ત્યારે હવે લગ્નની શરણાઈઓ શાંત થતા જ છોટે સરકારને ફરી જેલના સળિયા પાછળ જવું પડશે. (રર.૨૭)
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
