<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

કરોડો રૂપિયા પાણીમાં! પુણેમાં ગટર સફાઈ પાછળ ૬ વર્ષમાં ₹૧૬૪ કરોડ ફૂંકી માર્યા, છતાં સામાન્ય વરસાદમાં આખું શહેર ડૂબ્યું

પીએમસી (PMC) ના ભ્રષ્ટાચારની પોલ ખૂલી: નાગરિકોના ટેક્સના પૈસાનો ધુમાડો, અડધા ભાવે ટેન્ડર આપીને કરાયું નબળું કામ; જનતા હજુ પણ પૂરના પાણીમાં ફસાયેલી

પુણે: પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) ની ચોમાસા પહેલાની કામગીરી અને જનતાના પૈસાના દુરુપયોગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા છ વર્ષમાં કોર્પોરેશને ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ન ભરાય તે માટે ગટર સફાઈ અને કાદવ-કાંપ (ડિસિલ્ટિંગ) કાઢવા પાછળ ₹૧૬૪ કરોડ જેવી માતબર રકમનો ધુમાડો કરી નાખ્યો છે. આટલો જંગી ખર્ચ કરવા છતાં, પુણેના અનેક વિસ્તારો સામાન્ય વરસાદમાં પણ બેટમાં ફેરવાઈ જાય છે, જેના કારણે કોર્પોરેશનની કામગીરીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
આ સમગ્ર કૌભાંડ જેવી સ્થિતિ ત્યારે પ્રકાશમાં આવી જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના કોર્પોરેટર દત્તાત્રય બહિરતે પીએમસીની જનરલ બોડી મીટિંગમાં લેખિત પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે ૨૦૧૭ થી ૨૦2૬ સુધીના નવ વર્ષનો હિસાબ માંગ્યો હતો, પરંતુ વહીવટીતંત્રે પોતાની ચામડી બચાવવા માટે માત્ર ૨૦૨૦ થી ૨૦૨૬ સુધીના ૬ વર્ષનો જ અધૂરો હિસાબ આપ્યો છે. આ જવાબ મુજબ, કોર્પોરેશને ગટર સફાઈ માટે ₹૧૨૧ કરોડ અને ચોમાસાના ચેમ્બરમાંથી કાદવ કાઢવા માટે ₹૪૩ કરોડનો ખર્ચ બતાવ્યો છે.
આ મામલે સૌથી મોટો કડાકો એ થયો છે કે, વહીવટીતંત્રે પોતે જ સ્વીકાર્યું છે કે હડપસર-માંજરી અને સિંહગઢ રોડ જેવા વિસ્તારોમાં ગટર સફાઈના ટેન્ડરો અંદાજિત કિંમત કરતા ૩૦ થી ૫૦ ટકા જેટલા નીચા ભાવે કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યા હતા. નિષ્ણાતોના મતે, આટલા ઓછા ભાવે કામ આપવાના કારણે જ કોન્ટ્રાક્ટરોએ માત્ર કાગળ પર સફાઈ બતાવીને કરોડો રૂપિયાના બિલ પાસ કરાવી લીધા છે. પરિણામે, કરવેનગર, કોથરુડ, કટરાજ અને જૂના શહેરના રહીશો આજે પણ દર ચોમાસે નરકાગાર જેવી સ્થિતિ ભોગવવા મજબૂર બન્યા છે.
આ ખુલાસા બાદ પુણેના નાગરિકો અને વિપક્ષી કોર્પોરેટરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ₹૧૬૪ કરોડ ખર્ચાયા તો એ પૈસા ગયા ક્યાં? જનતાએ હવે આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને ડ્રેનેજ સફાઈના કામોનું 'થર્ડ પાર્ટી ઓડિટ' કરાવવાની માંગ કરી છે, જેથી ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને ખુલ્લી પાડી શકાય. ચોમાસાની શરૂઆતમાં જ સામે આવેલા આ આંકડાઓએ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની આબરૂના ધજાગરા ઉડાવી દીધા છે.

(6:17 PM IST)