<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

હિન્દુઓની ટીકા કરવી યહૂદી ધર્મગુરુને ભારે પડી, લોકોએ ઝાટકી નાખ્યા, કહેલું, ‘હિન્દુઓ ગાયની પૂજા કરે છે, તેને ડ્રોઇંગ રૂમમાં લાવે છે અને જમીન પર ગાયનું મૂત્ર પડે તો તેને ચાટે છે

ઇઝરાયલી-અમેરિકન રબ્બી યોસી મિઝરાહીના વિવાદિત નિવેદનથી હોબાળો, ભારત અને ઇઝરાયલ બંનેમાં વિરોધ; પેલેસ્ટાઇનના રાજદૂતે પણ ટીકા કરી

નવી દિલ્હી તા.૩૧ : અમેરિકામાં રહેતા ઇઝરાયલી મૂળના ઓર્થોડોક્સ યહૂદી ધર્મગુરુ રબ્બી યોસેફ યોસી મિઝરાહીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે હિન્દુ ધર્મ અને ગાય પૂજાની મજાક ઉડાવી રહ્યો છે. 28 ઓક્ટોબરે પોતાની યુટ્યુબ ચેનલ 'Divine Information' પર સ્ટ્રીમ થયેલા પ્રવચનમાં તેણે કહ્યું હતું, "તમે જાણો છો તે ભારતીયો જે ગાયની પૂજા કરે છે? હિન્દુઓ... તેઓ ગાયને ડ્રોઇંગ રૂમમાં લાવે છે અને જમીન પર ગાયનું મૂત્ર પડે તો તેને ચાટે છે."

 

તેણે આગળ કહ્યું કે કેટલાક લોકો ફાર્મસીમાંથી ગાયનું મૂત્ર ખરીદે છે અને તે પીનારાઓમાં ડોક્ટરો પણ છે. નવી દિલ્હીમાં ડોક્ટર પાસે જતા દર્દીને લઈને પણ તેણે મજાક કરી હતી અને રસ્તા પર બેઠેલી ગાય ટ્રાફિક રોકે છે તેવી ટિપ્પણી કરી હતી.

 

આ વિડીયો વાયરલ થતાં ભારત અને ઇઝરાયલ બંનેમાં તીવ્ર વિરોધ થયો છે. ઇઝરાયલી સંશોધક યેશાયા રોઝમેને કહ્યું કે આવા નિવેદનો ઇઝરાયલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂત અબ્દુલ્લા અબુ શાવેશે X પર વિડીયો શેર કરીને કહ્યું, "જાતિવાદ માનવતા માટે ખતરો છે, ધર્મોનું સન્માન શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે જરૂરી છે."

 

સમાજવાદી પાર્ટીએ પણ આ નિવેદનને વખોડ્યું છે. નોંધનીય છે કે રબ્બી મિઝરાહી અગાઉ પણ હોલોકોસ્ટ અને વિકલાંગ લોકો વિશે વિવાદિત નિવેદનો આપી ચૂક્યો છે અને 2016 માં 16 ઓર્થોડોક્સ રબ્બીઓએ તેના ઉપદેશોને વાંધાજનક ગણાવ્યા હતા.

(4:15 PM IST)