News of Monday, 21st September 2026
નાના પડદા પર હવે ક્રિકેટરોનો દબદબો: કલાકારો અને કોમેડિયનોની બાદશાહી સામે ખતરો: નિર્માતાઓએ ખેલાડીઓ પર રમી મોટી દાવ
અમિતાભ, સલમાન અને શાહરૂખ બાદ ટીવી પર નવો ટ્રેન્ડ: દાદા, રોહિત, વીરુ અને ધવન જેવા સ્ટાર્સ બેટિંગ બાદ હવે કેમેરા સામે મનોરંજન પીરસીને ચાહકોને કરી રહ્યા છે ઘેલા

નવી દિલ્હી: ટીવી હોસ્ટિંગની ગ્લેમરસ દુનિયામાં હવે બોલિવૂડ કલાકારો અને હાસ્ય કલાકારો ઉપરાંત ક્રિકેટરોનો દબદબો જોવા મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે બોલિવૂડના મોટા સ્ટાર્સ નાના પડદા પર આવવા અચકાતા હતા, પરંતુ અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને શાહરૂખ ખાન જેવા દિગ્ગજોએ ટીવીને લોકપ્રિયતા વધારવાનું મુખ્ય માધ્યમ બનાવ્યું. હવે નિર્માતાઓએ એક નવો વળાંક લેતા હોસ્ટિંગની જવાબદારી સીધી ક્રિકેટ પીચના સ્ટાર્સને સોંપવાનું શરૂ કર્યું છે. ક્રિકેટરોની મેદાન બહારની સ્ટાઇલ અને પ્રચંડ ચાહકવર્ગ નાના પડદા પર મનોરંજનનું નવું ફેક્ટર બની રહ્યા છે.
પીચના ધુરંધરો હવે નાના પડદાના હોસ્ટ:
ક્રિકેટ મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા બાદ ભારતીય ખેલાડીઓ હવે ટીવી શો અને રિયાલિટી સ્પેસમાં ધૂમ મચાવી રહ્યા છે:
રોહિત શર્મા: ભારતીય ક્રિકેટ ટીમનો આ સ્ટાર ખેલાડી "ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા શો" દ્વારા ટીવી પર હોસ્ટ તરીકે ડેબ્યૂ કરી ચૂક્યો છે. પોતાની શાંત અને હળવી શૈલીથી રોહિત કેમેરા સામે દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે.
વીરેન્દ્ર સેહવાગ: પોતાની સ્પષ્ટવક્તા અને વન-લાઈનર્સ માટે જાણીતો વીરેન્દ્ર સેહવાગ "વીરૂ કે ફંડે" વેબ સીરીઝ બાદ હવે રિયાલિટી શો "રાઈઝ એન્ડ ફોલ 2" દ્વારા મુખ્ય પ્રવાહના રિયાલિટી ટીવી હોસ્ટ તરીકે ઉભરી આવ્યો છે.
સૌરવ ગાંગુલી: "દાદા" તરીકે જાણીતા પૂર્વ કેપ્ટને ક્વિઝ શો "દાદાગીરી અનલિમિટેડ" સફળતાપૂર્વક હોસ્ટ કર્યા બાદ "બિગ બોસ બાંગ્લા"નું સંચાલન કરીને ટીવી ક્ષેત્રે પણ પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.
હરભજન સિંહ: ભજ્જીએ "પંજાબિયા દી દાદાગીરી વિથ ભજ્જી" હોસ્ટ કરવાની સાથે "રોડીઝ રાઈઝિંગ સીઝન 14" માં ગેંગ લીડર અને કુસ્તી આધારિત શો "રિંગ કા કિંગ" માં હોસ્ટ/પ્રમોટર તરીકે પોતાની પંજાબી ફ્લેર રજૂ કરી છે.
શિખર ધવન: પોતાની "ગબ્બર" શૈલી માટે જાણીતા શિખર ધવને "ક્રિકેટ દરબાર" માં આરજે કિષ્ના સાથે સ્પોર્ટ્સ-કોમેડી ફોર્મેટમાં ભાગ લીધો હતો અને બાદમાં "બેટલગ્રાઉન્ડ" શોમાં જજ તરીકે પણ પોતાની ઉર્જાવાન શૈલી રજૂ કરી છે.
ક્રિકેટરોને હોસ્ટ બનાવવાનું સૌથી મુખ્ય કારણ તેમનો વિશાળ અને મજબૂત ચાહકવર્ગ છે. ભારતમાં ક્રિકેટ અને ક્રિકેટરો પ્રત્યે ભારે સન્માન હોવાથી તેમને ટીવી પર પોતાની ઓળખ બનાવવામાં સમય લાગતો નથી. વળી, ક્રિકેટરોની લોકપ્રિયતા દરેક વયજૂથના લોકોમાં હોવાથી શોને ત્વરિત ટીઆરપી અને વ્યાપક દર્શકવર્ગ મળે છે. અભિનેતાઓ અને કોમેડિયનોને વારંવાર જોઈ ચૂકેલા દર્શકો માટે ક્રિકેટરોનો આ નવો અવતાર એક તાજો અને રસપ્રદ અનુભવ પૂરો પાડે છે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
