<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

ક્રિકેટ જગતનો સૌથી મોટો સોદો : મિત્તલ ફેમિલી અને આદર પુનાવાલાએ $1.65 બિલિયન (₹13,700 કરોડ) માં ખરીદી રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઈઝી

લક્ષ્મી મિત્તલના પરિવાર પાસે 75% અને આદર પુનાવાલા પાસે 18% હિસ્સો રહેશે : મનોજ બદાલેની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે 2026ના ત્રીજા ક્વાર્ટર સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત કરી

 મુંબઈ:  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો બિઝનેસ સોદો પાર પડ્યો છે. સ્ટીલ કિંગ તરીકે જાણીતા લક્ષ્મી એન. મિત્તલ અને તેમના પરિવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ આદર પુનાવાલા સાથે મળીને રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીને ખરીદવા માટે કરાર કર્યા છે. આ સોદો અંદાજે  $1.65 બિલિયન (અંદાજે ₹13,755 કરોડ)  માં નક્કી થયો છે, જે અંતર્ગત મિત્તલ પરિવાર ટીમનો મુખ્ય માલિક બનશે.

 શેરહોલ્ડિંગનું નવું માળખું

આ ભવ્ય સોદો પૂર્ણ થયા બાદ રાજસ્થાન રોયલ્સમાં માલિકીનું નવું માળખું અસ્તિત્વમાં આવશે. મિત્તલ ફેમિલી પાસે ફ્રેન્ચાઈઝીનો સિંહફાળો એટલે કે 75% હિસ્સો રહેશે. જ્યારે આદર પુનાવાલા 18% હિસ્સો ધરાવશે. બાકીનો આશરે 7% હિસ્સો મનોજ બદાલે સહિતના વર્તમાન રોકાણકારો પાસે રહેશે. આ ટ્રાન્ઝેક્શનમાં માત્ર ભારતની રાજસ્થાન રોયલ્સ જ નહીં, પરંતુ દક્ષિણ આફ્રિકાની પાર્લ રોયલ્સ અને કેરેબિયન લીગની બાર્બાડોસ રોયલ્સનો પણ સમાવેશ થાય છે.

 રાજસ્થાન સાથેનું ભાવનાત્મક જોડાણ

લક્ષ્મી એન. મિત્તલ મૂળ ઉત્તર રાજસ્થાનના સાદુલપુર ગામના વતની છે. ટીમ સાથે જોડાવા અંગે તેમણે જણાવ્યું હતું કે, "મને ક્રિકેટ ખૂબ પ્રિય છે અને મારો પરિવાર રાજસ્થાનથી હોવાથી રાજસ્થાન રોયલ્સનો ભાગ બનવું મારા માટે ગર્વની વાત છે." આદિત્ય મિત્તલે પણ આઈપીએલને વિશ્વની સૌથી મોટી લીગ ગણાવીને રોયલ્સના વારસાને આગળ ધપાવવાની અને નવી પ્રતિભાઓને તક આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વનિષા મિત્તલ-ભાટિયાએ પણ આ જોડાણને ભારત અને રમત પ્રત્યેના પ્રેમના સંગમ તરીકે ગણાવ્યું હતું.

 મનોજ બદાલેની ભૂમિકા અને સોદાની વિગતો

બ્રિટિશ-ભારતીય રોકાણકાર મનોજ બદાલે, જેમણે 2008માં માત્ર  $67 મિલિયન (આશરે ₹280 કરોડ - તે સમયના ભાવ મુજબ)  માં આ ટીમ ખરીદી હતી, તેઓ નવા માલિકો અને જૂના મેનેજમેન્ટ વચ્ચે સેતુ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. આ સોદો 2026ના ત્રીજા ક્વાર્ટર (Q3) સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. જોકે, આ માટે BCCI, CCI (કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા) અને IPL ગવર્નિંગ કાઉન્સિલની મંજૂરી મેળવવાની પ્રક્રિયા બાકી છે.

 બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નવા ચહેરા

આ પરિવર્તન બાદ લક્ષ્મી એન. મિત્તલ, આદિત્ય મિત્તલ, વનિષા મિત્તલ-ભાટિયા અને આદર પુનાવાલા રાજસ્થાન રોયલ્સના બોર્ડમાં જોડાશે. આ સોદા માટે ગોલ્ડમેન સૅક્સ અને પ્રાઈસ વોટરહાઉસ કૂપર્સ જેવી દિગ્ગજ કંપનીઓએ નાણાકીય અને ટેક્સ એડવાઈઝર તરીકે ભૂમિકા ભજવી છે. આ રોકાણથી આઈપીએલના વ્યવસાયિક મૂલ્યમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

(1:51 PM IST)