તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
દિવાળીમાં ફટાકડા પર સંપૂર્ણ બેન નહીં લાગે: સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'તહેવાર લોકોની લાગણી સાથે જોડાયેલો, પણ 24 કલાક છૂટ ન આપી શકાય'
દેશભરમાં ફટાકડાના પ્રકાર અને સમયમર્યાદા અંગે કોર્ટ સંતુલન સાધશે; બેરિયમ અને ડેસિબલ સ્તરના ટેસ્ટ માટે કેન્દ્ર અને CPCBને ૧૫ ઓક્ટોબર સુધીનો સમય મળ્યો

નવી દિલ્હી, તા.૩૦: દિવાળીના પવિત્ર તહેવાર પૂર્વે દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ લાદવાની માગણી કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો કોર્ટનો કોઈ ઈરાદો નથી, કારણ કે દિવાળીનો તહેવાર કરોડો લોકોની ધાર્મિક લાગણીઓ અને ભાવનાઓ સાથે સીધો જોડાયેલો છે.
લાગણી અને આરોગ્ય વચ્ચે સંતુલન જરૂરી
સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ. એમ. સુંદરેશે જણાવ્યું હતું કે, દેશવ્યાપી સંપૂર્ણ બેન લાદવાથી લોકોની લાગણીઓ દુભાઈ શકે છે. જોકે, સાથોસાથ અદાલતે એ પણ ટાંક્યું હતું કે ફટાકડા ફોડવા માટે ૨૪ કલાકની અવિરત મંજૂરી આપી શકાય નહીં. સતત થતા ધુમાડા અને અવાજથી બીમાર વ્યક્તિઓ, વડીલો અને નાના બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર વિપરીત અસર પડે છે. તેથી કોર્ટનો મુખ્ય હેતુ લોકોની તહેવાર ઉજવવાની ભાવના જળવાઈ રહે અને નાગરિકોના આરોગ્યનું રક્ષણ થાય તે બંને વચ્ચે યોગ્ય સંતુલન સાધવાનો છે.
સમયમર્યાદા અને ગ્રીન ફટાકડા પર વિચારણા
સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યા છે કે તે સમગ્ર દેશમાં ફટાકડાના પ્રકાર (જેમ કે ગ્રીન ફટાકડા) અને તેને ફોડવાની ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવા પર ગંભીરતાથી વિચાર કરશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫થી દિલ્હી-NCR અને ઉત્તર ભારતમાં શિયાળા દરમિયાન વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કોર્ટ વિવિધ આદેશો આપતી આવી છે. ૨૦૨૫માં પણ શરતોને આધીન ગ્રીન ફટાકડા માટે મર્યાદિત સમયની છૂટ આપવામાં આવી હતી.
CPCB અને કેન્દ્ર સરકાર પાસે રિપોર્ટ મંગાયો
કેસની સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ ફટાકડામાં બેરિયમની હાજરીની તપાસ અને સંયુક્ત ફાયર ટેસ્ટ કરીને ડેસિબલ (અવાજનું) સ્તર નિર્ધારિત કરવા માટે સમય માગ્યો હતો. તેમણે લડી જેવા જોઈન્ટ ફટાકડાના નિર્માણ માટે ચોક્કસ શરતો સાથે મંજૂરી આપવા સૂચન કર્યું હતું. કોર્ટે આ સૂચન ધ્યાને લઈ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અને કેન્દ્ર સરકારને વધુ પરીક્ષણ કરવા સમય આપ્યો છે.
હવે આ ચર્ચાસપદ અને મહત્વના મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી ૧૫ ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં ફટાકડા અંગેના આખરી દિશાનિર્દેશો જાહેર થઈ શકે છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
