News of Saturday, 2nd May 2026
છત્તીસગઢમાં નક્સલીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય: કાંકેર-નારાયણપુર બોર્ડર પર ભીષણ IED બ્લાસ્ટમાં DRGના ૩ જવાન શહીદ, સુરક્ષા દળોમાં ભારે આક્રોશ!
ડી-માઈનિંગ ઓપરેશન દરમિયાન અચાનક વિસ્ફોટ થતા જવાનો તેની ચપેટમાં આવ્યા; શહીદોમાં એક ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલનો સમાવેશ

કાંકેર: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જંગલોમાં ફરી એકવાર રક્તરંજિત ખેલ ખેલાયો છે. કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદે નક્સલીઓ દ્વારા બિછાવવામાં આવેલી લેન્ડમાઈન્સ શોધવાના અભિયાન દરમિયાન એક મોટો આઈઈડી (IED) વિસ્ફોટ થયો છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) ના ત્રણ જવાનોએ દેશ કાજે પોતાની શહાદત વહોરી છે, જ્યારે એક અન્ય જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે.
ઓપરેશન દરમિયાન સર્જાયો કરુણ અકસ્માત
મળતી વિગતો અનુસાર, સુરક્ષા દળોની ટીમ છોટેબેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારના કોરોસકોડા જંગલોમાં ડી-માઈનિંગ ઓપરેશન ચલાવી રહી હતી. નક્સલીઓએ જવાનોને નુકસાન પહોંચાડવાના ઈરાદે જમીનમાં છુપાવેલા વિસ્ફોટકો શોધીને તેને નિષ્ક્રિય કરવામાં આવી રહ્યા હતા, ત્યારે જ અચાનક એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે જવાનોને સંભળવાનો મોકો પણ મળ્યો ન હતો.
શહીદ જવાનોના નામ અને તંત્રની કાર્યવાહી
આ હુમલામાં ઇન્સ્પેક્ટર સુખરામ વટ્ટી, કોન્સ્ટેબલ કૃષ્ણા કોમરા અને કોન્સ્ટેબલ સંજય ગઢપાલે ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ શહીદ થયા હતા. ઘાયલ જવાન પરમાનંદ કોમરાને તાત્કાલિક એરલિફ્ટ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બસ્તર રેન્જના આઈજીએ આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને શહીદ જવાનોની બહાદુરીને બિરદાવી છે.
નક્સલ વિરોધી અભિયાન વધુ તેજ કરાયું
છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં નક્સલીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે, જેનાથી નક્સલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને વધારાની ફોર્સ રવાના કરીને નક્સલીઓ સામે વળતી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દેશના જવાનો પર થયેલા આ હુમલા બાદ સુરક્ષા દળોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
