<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

કોર્ટની ટિપ્પણી પર FDA કમિશનર તુકારામ મુંઢેનો મોટો ખુલાસો: 'હું ભગવાન નથી, પબ્લિક સર્વન્ટ છું; ભૂલ હશે તો ચોક્કસ સુધારીશું'

તહેવારો ઉજવવા FDAની મંજૂરી લેવાના સવાલ પર આકરા પ્રહાર: સેલિબ્રિટીઝને પાઠવેલી નોટિસ અને ખાદ્ય સુરક્ષાના કડક અમલીકરણ પર આપ્યું મોટું નિવેદન

મુંબઈ : મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ની કડક કાર્યવાહી અને તેના પર કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ બાદ કમિશનર તુકારામ મુંઢેએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તમામ વિવાદો પર સ્પષ્ટતા કરી છે. તેમણે અત્યંત નમ્રતાપૂર્વક પરંતુ મક્કમતાથી જણાવ્યું કે, “હું ભગવાન નથી પણ એક પબ્લિક સર્વન્ટ છું. જો કોર્ટ દ્વારા FDA ની કામગીરી કે પ્રક્રિયામાં કોઈ ક્ષતિ દર્શાવવામાં આવશે, તો અમારો વિભાગ તેને ચોક્કસપણે સુધારશે.”

'તહેવારો ઉજવવા પરવાનગીની જરૂર નથી'

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તહેવારો ઉજવવા માટે FDA ની મંજૂરી લેવી પડશે કે કેમ તેવા સવાલને તેમણે સખત શબ્દોમાં નકારી કાઢ્યો હતો. તેમણે લોકોને ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરતા કહ્યું કે, વિભાગનો હેતુ લોકોને તહેવાર ઉજવતા રોકવાનો નથી, પરંતુ મોટા પાયે વિતરણ થતા ભોજનની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો છે. જો કોઈ સંસ્થા કે વ્યક્તિ મોટા પાયે અન્નદાન કે ફૂડ પેન્ટ્રી શરૂ કરે તો તેમણે FDA ને જાણ કરવી જોઈએ જેથી ખોરાકના સેમ્પલ ચકાસી શકાય અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય.

ભેળસેળિયાઓ પર કડક કાર્યવાહી અને સેલિબ્રિટીઝને નોટિસ

તુકારામ મુંઢેએ જણાવ્યું કે નકલી દૂધ, ડેરી પ્રોડક્ટ્સ, હોટલ-રેસ્ટોરન્ટ અને પ્રતિબંધિત ગુટખા-તમાકુ સામે FDA નો સિકંજો ચાલુ રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા અનેક વેપારીઓના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. વધુમાં, એક જાહેરાતના કેસમાં ૩ જાણીતી સેલિબ્રિટીઝને નોટિસ મોકલવામાં આવી હતી, જેમાંથી ૨ સેલિબ્રિટીઝે પોતાના જવાબો રજૂ કરી દીધા છે અને તેના આધારે આગળની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

(6:55 PM IST)