<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

શ્રીલંકાના ઈતિહાસના સૌથી ભયાનક ૨૦૧૯ના ઈસ્ટર સન્ડે બોમ્બ વિસ્ફોટ કેસમાં કોર્ટનો મોટો ફેંસલો: ૧૫ આતંકવાદીઓ દોષિત જાહેર!

૨૬૦થી વધુ નિર્દોષોનો ભોગ લેનારા અને ૫૦૦ લોકોને લોહીલુહાણ કરનારા વિસ્ફોટોના માસ્ટરમાઇન્ડ્સ સામે સકંજો મજબૂત: ફાંસીની સજા કે આજીવન કેદ પર સૌની નજર

કોલંબો : શ્રીલંકામાં વર્ષ ૨૦૧૯માં રમાયેલા મોતના તાંડવ અને સમગ્ર વિશ્વને હચમચાવી મુકનારા ચકચારી ઈસ્ટર સન્ડે બોમ્બ વિસ્ફોટ કેસમાં આખરે ન્યાયનો મોટો ચુકાદો આવ્યો છે. શ્રીલંકાની વિશેષ અદાલતે મંગળવારે ૨૬૦થી વધુ નિર્દોષ લોકોના જીવ લેનારા અને ૫૦૦ જેટલા લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરનારા આ ભીષણ આતંકી હુમલાના ષડયંત્રમાં સંડોવાયેલા ૧૫ પુરુષોને ગુનેગાર ઠેરવી દોષિત જાહેર કર્યા છે.

 

૨૧ એપ્રિલ, ૨૦૧૯ના રોજ ઈસ્ટર પર્વની ઉજવણી દરમિયાન ટાપુ રાષ્ટ્ર શ્રીલંકાના ત્રણ મુખ્ય ચર્ચ અને ત્રણ લક્ઝુરિયસ હોટેલોને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ આત્મઘાતી વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. આઈએસઆઈએસ (ISIS) આતંકી સંગઠનથી પ્રેરિત અને સ્થાનિક ઈસ્લામિક કટ્ટરપંથી જૂથો દ્વારા અંજામ અપાયેલા આ હુમલા શ્રીલંકાના ઈતિહાસના સૌથી ઘાતક આતંકવાદી હુમલા સાબિત થયા હતા, જેમાં ૪૨ વિદેશી નાગરિકો સહિત સેંકડો માસુમોએ જીવ ગુમાવ્યા હતા.

 

૨૩,૨૭૦થી વધુ ગંભીર આરોપો અને ચોંકાવનારા ખુલાસા

 

વર્ષ ૨૦૨૧માં શ્રીલંકાના સત્તાધિકારીઓએ આ હુમલાનું કાવતરું ઘડવા, વિસ્ફોટકો પૂરા પાડવા અને આતંકવાદ ફેલાવવા બદલ ૨૪ મુખ્ય શંકાસ્પદો સામે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ હત્યા અને આતંકવાદી ષડયંત્ર સહિત કુલ ૨૩,૨૭૦ જેટલા ગંભીર આરોપો દાખલ કર્યા હતા. જોકે, હુમલામાં પ્રત્યક્ષ રીતે ભાગ લેનારા તમામ આત્મઘાતી બોમ્બરો ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા, જેના કારણે ષડયંત્રકારીઓ સામે આ કાનૂની જંગ ખેલાયો હતો.

 

અત્રે નોંધનીય છે કે શ્રીલંકામાં ૧૯૭૬ પછી કોઈને ફાંસી આપવામાં આવી નથી, જેથી દોષિતોને મૃત્યુદંડ ફટકારવામાં આવે તો પણ તે વ્યવહારિક રીતે આજીવન કેદમાં ફેરવાઈ જવાની શક્યતા છે. આ પૂર્વે જુલાઈ મહિનામાં, પૂર્વ પોલીસ વડા અને ભૂતપૂર્વ વરિષ્ઠ સંરક્ષણ અધિકારીને પણ વિદેશી ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલી હુમલાની આગોતરી ચેતવણીઓને ગંભીરતાથી ન લેવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આજના કોર્ટના નિર્ણયથી પીડિત પરિવારોને વર્ષો બાદ ન્યાયની આશા બંધાઈ છે.

 

(7:22 PM IST)