તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ગિગ વર્કર્સ માટે હૈદરાબાદમાં દેશની પ્રથમ અનોખી પહેલ: ડિલિવરી બોયઝ માટે ખુલ્યું 'અપઝી હાઉસ', મળશે એસી આરામ ખંડ, ભોજન, ગેમ્સ અને ડૉક્ટરની સુવિધા!
ચોવીસે કલાક રસ્તા પર રઝળતા ડિલિવરી રાઇડર્સની વર્ષો જૂની પીડાનો અંત: સવારે ૬ થી રાત્રે ૧૧ સુધી ખુલ્લા રહેતા કેન્દ્રમાં મહિલા વર્કર્સ માટે બનાવાયો ખાસ પ્રાઇવેટ લાઉન્જ

હૈદરાબાદ : તડકો, ટ્રાફિક અને વરસાદ વચ્ચે કલાકો સુધી રસ્તાઓ પર દોડધામ કરતા ગિગ વર્કર્સ અને ડિલિવરી બોયઝ માટે હૈદરાબાદમાં એક અત્યંત રાહતરૂપ અને માનવીય પહેલ શરૂ કરવામાં આવી છે. હૈદરાબાદના હાઈટેક સિટી ગણાતા કોંડાપુર સ્થિત હાઈ ટેન્શન લાઈન રોડ પર ખાસ ગિગ વર્કર્સ માટે 'અપઝી હાઉસ' (Upzy House) નામનું એક સમર્પિત કલ્યાણ અને આરામ કેન્દ્ર શરૂ કરાયું છે. તેલંગાણાના શ્રમ અને રોજગાર મંત્રી ગદ્દામ વિવેકાનંદે આ સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ કેન્દ્ર અઠવાડિયાના સાતેય દિવસ સવારે ૬:૦૦ થી રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી રાઇડર્સની સેવામાં કાર્યરત રહેશે.
૬૮% રાઇડર્સ દિવસમાં ૧૦ કલાકથી વધુ સમય રસ્તા પર વિતાવે છે
આ અનોખા પ્રોજેક્ટને આકાર આપતા પહેલાં 'અપઝી' ટીમે કોંડાપુરના વિવિધ ડાર્ક સ્ટોર ક્લસ્ટરોમાં ૪,૧૬૩ થી વધુ ગિગ વર્કર્સનો સર્વે કર્યો હતો. આ ચોંકાવનારા સર્વેમાં સામે આવ્યું કે ૬૮ ટકા રાઇડર્સ રોજ ૧૦ કલાકથી વધુ સમય રસ્તા પર વિતાવે છે. વિરામ લેવા કે શૌચાલય જવા માટે ૯૦ ટકાથી વધુ લોકોએ કચરાપેટીઓ, રસ્તાની બાજુઓ કે ગંદા જાહેર શૌચાલયોનો આશરો લેવો પડતો હતો. માત્ર ૫ ટકા કંપનીઓ જ પોતાના પાર્ટનર્સને પ્રાથમિક સુવિધા પૂરી પાડતી હતી, જેને ધ્યાનમાં રાખીને આ હાઇ-ટેક શેલ્ટર હોમ તૈયાર કરાયું છે.
તમામ કંપનીના રાઇડર્સ માટે સુવિધા: વાજબી દરે ભોજન અને રમતગમત
Swiggy, Zomato, Zepto, Blinkit, Amazon, Flipkart, Rapido અને Urban Company જેવી તમામ પ્લેટફોર્મ કંપનીઓના ડિલિવરી પાર્ટનર્સ આ કેન્દ્રનો ઉપયોગ કરી શકશે. સભ્યપદ ધરાવતા રાઇડર્સને અહીં એસી (AC) સીટિંગ એરિયા, ક્લીન વોશરૂમ્સ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને દિવસમાં ૩ વખત પૌષ્ટિક ભોજન મળશે. સોમવારથી શનિવાર સવારે ૯ થી સાંજે ૫ દરમિયાન ડૉક્ટરની મફત સલાહ પણ ઉપલબ્ધ રહેશે. થાક ઉતારવા માટે રાઇડર્સ ટેબલ ટેનિસ, કેરમ અને ચેસ રમી શકશે. આ તમામ સુવિધાઓ માટે અઠવાડિયે માત્ર ₹૯૯ અથવા મહિને ₹૩૪૯ નો નજીવો ચાર્જ રાખવામાં આવ્યો છે.
મહિલા ગિગ વર્કર્સ માટે ખાનગી લાઉન્જ અને સરકારી સમર્થન
મહિલા ડિલિવરી ગિગ વર્કર્સ માટે આ કેન્દ્રમાં સંપૂર્ણ સુરક્ષિત અને પ્રાઇવેટ લાઉન્જ બનાવવામાં આવ્યો છે. ઉપઝીના સીઈઓ આદિત્ય વુચીએ જણાવ્યું કે તેઓ ડિલિવરી રાઇડર્સને માત્ર ઓર્ડર પૂર્ણ કરવાનું સાધન નહીં પરંતુ પોતાના મુખ્ય ગ્રાહકો માને છે. કાર્યક્રમમાં હાજર રહેલા રાજ્યના શ્રમ મંત્રીએ આ મોડેલની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, તેલંગાણા સરકારે પણ તાજેતરમાં પ્લેટફોર્મ-આધારિત ગિગ વર્કર્સ રજિસ્ટ્રેશન અને કલ્યાણ અધિનિયમ-૨૦૨૬ પસાર કર્યો છે. આગામી સમયમાં હૈદરાબાદના તમામ મુખ્ય વિસ્તારોમાં આવા વધુ કલ્યાણ કેન્દ્રો સ્થાપવામાં આવશે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
