<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

પેરિસ સ્થિત બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે પૂ.મહંત સ્વામીના સાનિધ્યમાં દેશના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના ઉદ્ઘાટન પૂર્વે મહાયજ્ઞનો આરંભ

પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં વિશ્વશાંતિ કાજે આયોજિત આ વૈદિક અનુષ્ઠાન 2 થી 14 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે:વિશ્વભરમાંથી આવેલા હરિભક્તો મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી વૈશ્વિક સુખાકારી અને સંપ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ફ્રાન્સના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે દેશના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન પૂર્વે બુધવાર, 2 સપ્ટેમ્બર 2026 ના રોજ પવિત્ર અનુષ્ઠાનનો આરંભ થયો છે. આ પાવન અવસરે આયોજિત મહાયજ્ઞ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ વૈદિક યજ્ઞ 14 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરાઈ રહી છે.

 

યુરોપના સાંસ્કૃતિક કેન્દ્ર સમાન ફ્રાન્સમાં સનાતન ધર્મનો એક નવો સુવર્ણ અધ્યાય લખાવા જઈ રહ્યો છે. પેરિસ નજીક આવેલા બુસી-સેંટ-જ્યોર્જેસ પરિસરમાં નિર્માણ પામેલા પ્રથમ પરંપરાગત શિખરબદ્ધ હિન્દુ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા પહેલાં પ્રાચીન ભારતીય વિધિઓ અનુસાર સમગ્ર વાતાવરણને પાવન બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

 

સનાતન પરંપરામાં યજ્ઞ એ માત્ર ધાર્મિક ક્રિયાકાંડ નથી, પરંતુ પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાની અને પર્યાવરણ સહિત સર્વ જીવોના મંગલની પ્રાચીન વૈદિક ઉપાસના પદ્ધતિ છે. મંદિરના લોકાર્પણ પૂર્વે પરિસરની શુદ્ધિ અને ભક્તોમાં આધ્યાત્મિક ચેતનાના સંચાર માટે આ મહાયજ્ઞ અત્યંત અનિવાર્ય મનાય છે.

 

 

આ પવિત્ર વૈદિક યાગમાં ભાગ લેવા માટે ભારત, યુકે, અમેરિકા તેમજ યુરોપના અન્ય દેશોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પેરિસ પહોંચ્યા છે. પવિત્ર યજ્ઞકુંડ સમક્ષ બેસીને યજમાનો અને પરિવારોએ વેદમંત્રોના મંત્રોચ્ચાર સાથે ઘી અને જડીબુટ્ટીઓની આહુતિ અર્પણ કરી હતી.

BAPS સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુવર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સ્વયં યજ્ઞશાળામાં પધારીને વૈદિક વિધિનું દર્શન કર્યું હતું અને પુષ્પ અર્પણ કરીને આહુતિ આપી હતી. તેમના દિવ્ય સાનિધ્યથી ઉપસ્થિત હજારો ભક્તો ભાવવિભોર બન્યા હતા

 

ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધન કરતા મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું “પેરિસ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે અહીં વિશ્વશાંતિ મહાયાગ થઈ રહ્યો છે. તો પ્રાર્થના કરીએ કે આખા વિશ્વમાં સુખ-શાંતિ રહે, સંપનું વાતાવરણ રહે. પેરિસના સૌ હરિભક્તો તને-મને-ધને ખૂબ સુખી થાય.”

 

આશીર્વચનોએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં સેવા, સમર્પણ અને વૈશ્વિક બંધુત્વની ભાવના વધુ દ્રઢ બનાવી હતી.

 

ફ્રાન્સમાં આ મંદિર માત્ર પૂજાસ્થળ નહીં પરંતુ ભારતીય સ્થાપત્ય, સંસ્કૃતિ અને સંસ્કારોનું અનોખું કેન્દ્ર બનશે. 13 દિવસ સુધી ચાલનારા આ યજ્ઞ ઉત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સત્સંગ સભાઓ અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં આ આયોજન સ્થાનિક ફ્રેન્ચ સમુદાય અને ભારતીય ડાયસ્પોરા વચ્ચે સાંસ્કૃતિક સેતુનું નિર્માણ કરી રહ્યું છે.

(1:37 PM IST)